Western Times News

Gujarati News

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અચાનક કેમ મુલાકાત લીધી હર્ષ સંઘવીએ?

રમેશ ટીલાડાએ જણાવ્યું કે, “રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે.

રાજકોટ, ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે.

ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (ખાસ કરીને સુરત) માં પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેથી આ મુલાકાત નવી રાજકીય દિશા નક્કી કરી શકે છે.

આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે ખોડલધામના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નરેશભાઈએ ખોડલધામમાંથી નિવૃત્તિ અને આરામ અંગે જે વાત કરી છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પહેલાં પણ ઘણીવાર નનૈયો ભણી ચૂક્યા છે. જો કે, રમેશ ટીલાડાએ ઉમેર્યું કે, “રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે. અમે તો વ્યક્તિગત રીતે એમ જ ઈચ્છીએ છીએ કે નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.