Western Times News

Gujarati News

ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે વિશેષ કેમ્પમાં 43 મહિલાઓનું પોર્ટેબલ એક્સ-રેથી TB સ્ક્રીનિંગ કરાયું

ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે AMC દ્વારા ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે યોજાયો સ્પેશિયલ ટીબી નિદાન કેમ્પ

અમદાવાદ, દેશને ક્ષય રોગથી મુક્ત કરવા માટે ચાલી રહેલા 100 દિવસીય “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક સરાહનીય સંયુક્ત પગલું ભરવામાં આવ્યું છે. 

ટીબીના રોગની વહેલી ઓળખ અને સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા હેતુસર ઓઢવ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ કાર્યરત ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે આધુનિક પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે યુનિટના માધ્યમથી એક વિશેષ ટીબી તપાસ અને સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જીગર જસાણી, મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકી, દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર), સિટી ટીબી ઓફિસર તેમજ મેડિકલ ઓફિસર સુપરવાઇઝર અને નારી સંરક્ષણ ગૃહના નોડલ ઓફિસર અને અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. 

સામૂહિક વસવાટ ધરાવતા અને ટીબીના સંભવિત જોખમ સામે સંવેદનશીલ એવા કુલ 43 લાભાર્થીઓનું આ કેમ્પ દરમિયાન અત્યાધુનિક પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્થળ પર જ સચોટ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન જે લાભાર્થીઓના એક્સ-રેમાં કોઈપણ પ્રકારની અસામાન્યતા કે શંકાસ્પદ લક્ષણો જણાશે, તેઓની આગળની વધુ સચોટ નિદાનાત્મક તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂર જણાશે ત્યાં વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવશે. 

આ ઉપરાંત, જે લાભાર્થીઓનો એક્સ-રે રિપોર્ટ સામાન્ય આવ્યો છે, તેઓમાં પણ ભવિષ્યની સુરક્ષા અને ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવા માટે આગળ વધીને CY-TB ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓની વહેલી ઓળખ, ઝડપી નિદાન અને સમયસર મફત સારવાર માટે છેવાડાના અને સંવેદનશીલ વિસ્તારો સુધી આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. પોર્ટેબલ એક્સ-રે જેવી હરતી-ફરતી આધુનિક સુવિધાઓના કારણે “ટીબી મુક્ત ભારત અભિયાન” ને ગ્રાઉન્ડ લેવલ પર મોટી ગતિ મળી રહી છે.

ઓઢવ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના નેતૃત્વ હેઠળ સમગ્ર આરોગ્ય ટીમે ભારે ઉત્સાહ અને સમર્પણ સાથે આ કેમ્પને સફળ બનાવ્યો હતો, જેમાં નારી સંરક્ષણ ગૃહના તમામ કર્મચારીઓનો પણ સક્રિય અને પ્રશંસનીય સહયોગ સાંપડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે આવા આયોજનો દ્વારા ટીબીની વહેલી ઓળખ, ચોક્કસ નિદાન અને અસરકારક સારવાર સુનિશ્ચિત બને છે, જે અંતતોગત્વા “ટીબી મુક્ત ભારત” ના રાષ્ટ્રીય લક્ષ્યને સમયસર પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.