Western Times News

Gujarati News

ઈમરજન્સી વખતે ભારતીય લોકશાહીને ક્રૂર રીતે કચડી નખાઈ હતીઃ પીએમ

વડાપ્રધાને કટોકટી કાળને લોકશાહી માટે કલંક, બંધારણ પરનો સીધો હુમલો ગણાવ્યો

દેશમાં ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ દરમિયાન લદાયેલી કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી

નવી દિલ્હી,કટોકટીના કાળને બંધારણ પરનો સીધો હુમલો ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ દરમિયાન લદાયેલી કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ દેશના ઈતિહાસ માટે કલંક સમાન આ સમયગાળા દરમિયાન ભારતીય લોકશાહીની પાયા સમાન સંસ્થાઓ પર અસંખ્ય હુમલાં કરાયા હતાં.

સ્વતંત્ર ભારતના આ કાળા અધ્યાય દરમિયાન દેશના લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે પોતાનું જીવન ખપાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કટોકટીએ ભારતના અસંખ્ય નાગરિકોની હિંમતને ઉજાગર કરી હતી, જેમણે સત્તાના દમન સામે ઝૂકવાનો ઈનકાર કરી બંધારણના મૂલ્યોને જાળવી રાખ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ની સાલથી મોદી સરકાર કટોકટી લદાઈ હતી તે દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવે છે.

કટોકટી કાળની વરસીએ એક્સ પરની એક પોસ્ટમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ ગાળા દરમિયાન નાગરિકોની સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતાનું દમન કરાયું હતું. આ ઉપરાંત રાજનેતાઓ, પત્રકારો તથા સામાજિક કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દેવાયાં હતાં. બંધારણ દેશના ૧૪૦ કરોડ નાગરિકોની મહત્વાકાંક્ષા, અધિકારો અને ફરજોનું પ્રતીક છે.

અમે બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ. આપણાં બંધારણની ભાવનાથી પ્રેરિત થઈને, અમે એક એવા ભારતનું નિર્માણ કરીશું જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે. અન્ય એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સંવિધાન હત્યા દિવસ આપણને એ દિવસોની યાદ અપાવે છે જ્યારે, ભારતની લોકશાહીને નિર્મમ રીતે કચડી નખાઈ હતી. આ સાથે જ તે આપણને આપણી લોકશાહી, બંધારણ અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ રહેવા પ્રેરણા આપે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.