Ahmedabad: માણેકચોકની 1.51 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, દિલ્હીથી એરફોર્સનો ઓફિસર ઝડપાયો!
-
માણેકચોક લૂંટ કેસ: રિક્ષાઓ બદલી, કપડાં બદલ્યા અને આંગળીઓ પર પટ્ટીઓ વીંટાળી; એરફોર્સના ઓફિસરે આ રીતે આપ્યો હતો અંજામ
-
સટ્ટાના દેવાએ એરફોર્સના અધિકારીને બનાવ્યો લૂંટારો, 2 વર્ષ બાદ આ એક ભૂલથી પોલીસના સિકંજામાં આવ્યો
અમદાવાદ, માણેકચોક વિસ્તારમાં બે વર્ષ પહેલાં વેપારી પર ફાયરિંગ કરી રૂ.૧.૫૧ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દિલ્હીથી એરફોર્સના એક ઓફિસરની ધરપકડ કરી હતી. પકડાયેલો આરોપી એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવતો હોવાથી પોલીસની પદ્ધતિઓથી વાકેફ હતો, જેને કારણે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. લંગારિયા અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. જૂના વણઉકેલાયેલા ગુનાઓની તપાસ દરમિયાન તેમને કડી મળી કે લૂંટમાં જે પિસ્તોલ વપરાઈ હતી, તેવી જ એક પિસ્તોલ વર્ષ ૨૦૨૪માં જામનગરમાં એક નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરેથી ચોરાઈ હતી. આ શંકાના આધારે તપાસ લંબાવતા પોલીસ સીધી દિલ્હીમાં ફરજ બજાવતા એરફોર્સના એર કમાન્ડિંગ ઓફિસર દીપક બુકેર સુધી પહોંચી હતી. પોલીસને દીપકના ઘરેથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને કાર્ટીઝ પણ મળી આવ્યા હતા.
આરોપી દીપક એરફોર્સના ટેકનિકલ વિભાગમાં હોવાથી તે સીસીટીવી અને લોકેશન ટ્રેકિંગ જેવી ટેકનિકલ બાબતો સારી રીતે જાણતો હતો. ૧૬ જુલાઈ ૨૦૨૪ના રોજ માણેકચોકની પતાસાની પોળમાં વેપારીની દુકાનમાં ઘૂસી, પગમાં ગોળી મારી રૂ.૧.૫૧ કરોડ લૂંટ્યા બાદ તે નાસી છૂટ્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે માત્ર બે કિલોમીટરના વિસ્તારમાં જ ૭ થી ૮ વખત રિક્ષાઓ બદલી હતી અને રસ્તામાં અલગ-અલગ જગ્યાએ પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા.
માણેકચોકની રૂ.૧.૫૧ કરોડની લૂંટના કેસમાં પકડાયેલા એરફોર્સના ઓફિસરની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.આરોપી દીપકે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ દરમિયાન જામનગર એરફોર્સમાં નોકરી કરી હતી. ત્યાં એક નિવૃત્ત અધિકારી સાથે પૈસાની લેવડદેવડમાં વિવાદ થતાં દીપકને એક વર્ષની સજા થઈ હતી. આ જ ગુસ્સામાં તેણે એ નિવૃત્ત અધિકારીના ઘરમાંથી પિસ્તોલ ચોરી લીધી હતી.
તેમજ દીપકને સટ્ટો રમવાની કુટેવ હતી, જેમાં તેના પર મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો. જામનગરમાં નોકરી દરમિયાન તેણે અમદાવાદના માણેકચોક વિશે સાંભળ્યું હતું કે ત્યાં મોટો વહીવટ થાય છે. આથી, તે લૂંટના બે દિવસ પહેલાં અમદાવાદ આવી હોટલમાં રોકાયો હતો. પોતાની અસલી ઓળખ છુપાવવા માટે તેણે હોટલમાં રોકાતી વખતે ખોટા ઓળખપત્ર (આઈડી કાર્ડ) અને બોગસ મોબાઈલ નંબર આપ્યા હતા.
લૂંટ કરતી વખતે ઘટનાસ્થળે પોતાના ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે તેણે હાથની આંગળીઓ પર પટ્ટીઓ વીંટાળી દીધી હતી. એરફોર્સની ટ્રેનિંગના કારણે તે હથિયાર ચલાવવામાં માહિર હતો, જેથી તેણે વેપારી પર સરળતાથી ફાયરિંગ કર્યું હતું. પોલીસ પકડી ન પાડે તે માટે તે પોતાનો મોબાઈલ વાપરતો ન હતો અને તે ફોન પત્નીને આપી દીધો હતો.
