Western Times News

Gujarati News

ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે

મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા

ચરોત્તરથી ભરૂચ સુધીનો વિસ્તાર બનશે સમૃદ્ધિનું નવુ સરનામું બદલપુર બેરેજ યોજનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી

ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે

 ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોના પરીણામે આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માત્ર બે ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીંપરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિપીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. સરકાર દ્વારા આ યોજના માટે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા લેવાયેલો આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સામાજિક-આર્થિક સમીકરણોને બદલી નાખશે. પાણીપરિવહન અને પ્રગતિનો આ ત્રિવેણી સંગમ ચરોત્તરથી ભરૂચ સુધીના વિસ્તારની સમૃદ્ધિનું નવુ સરનામું બની રહેશે.

આ આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ૪.૫ કિલોમીટરની પહોળાઈ ધરાવતાં મહી નદીના પટમાં વચ્ચે ૨ (બે) કિલોમીટરની લંબાઈનું બ્રીજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત ૭૦ જેટલા દરવાજા મૂકાવામાં આવશે. જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેકનોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશેજેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકે.

આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેની વિશાળ જળ સંગ્રહ શક્તિ છે. બેરેજનું નિર્માણ થવાથી અંદાજે ૧૮૩ મિલિયન ઘન મીટર (મી.ઘન મી.) જેટલા મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. દર વર્ષે મહી નદીનું લાખો લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું હતુંતેને આ બેરેજ દ્વારા રોકી શકાશે.

હાલમાં આ વિસ્તારના લોકોના પીવાના પાણીનો મુખ્ય આધાર કડાણા ડેમ આધારીત છે. પરંતુ આ બેરેજનું નિર્માણ થવાની લોકોની પીવાના પાણીની કડાણા ડેમ ઉપરની આત્મનિર્ભરતા ઘટશેઅને આ સંગ્રહિત પાણી આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે. આ વિશાળ જળરાશિ આગામી સમયમાં ઉદ્યોગોખેતી અને સ્થાનિક વસ્તી માટે પાણીની તંગીને કાયમ માટે ભૂતકાળ બનાવી દેશે.

હાલમાં આ વિસ્તારમાં દરિયાનું પાણી સીંધરોટ વીયર સુધી એટલે કેઅંદાજિત ૫૦ કિ.મી. સુધી અંદર આવી જાય છે. લાંબા સમયથી દરિયાઈ ભરતીના કારણે આ જમીનોમાં સેલેનીટી (ખારાશ) એક મોટી સમસ્યા રહી છે. આ બદલપુર બેરેજના નિર્માણથી મીઠા પાણીનો મોટો સંગ્રહ થવાના કારણે જમીનની ખારાશનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જશે. તેના પરિણામે આશરે ૧૬,૦૦૦ હેક્ટર જેટલો વિશાળ વિસ્તાર સીધો લાભિત થશે. મીઠા પાણીના પ્રભાવથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ તબક્કાવાર મોટો સુધારો આવશે. ખારાશ ઘટતાં ખેડૂતો વર્ષમાં બહુવિધ પાક લઈ શકશેજેનાથી સ્થાનિક કૃષિ ક્ષેત્રે એક નવી હરિયાળી ક્રાંતિ આવશે અને જમીનની ફળદ્રુપતા પુનઃ જીવંત થશે.

જળ વિતરણ વ્યવસ્થાની દ્રષ્ટિએ આ બેરેજ કમ બ્રિજ યોજના સામાજિક સ્તરે મોટું પરિવર્તન લાવશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના ૪૨ ગામોવડોદરા જિલ્લાના ૩૦ ગામો અને ભરૂચ જિલ્લાના ૮ ગામો મળી અંદાજે ૮૦ જેટલા ગામોના ૧૫ લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે.  સરહદી ગામોને હવે મહી નદીના શુદ્ધ અને મીઠા જળનો લાભ મળશે.

આ પ્રોજેક્ટના પરિણામે માત્ર પાણીનો સંગ્રહ જ નહી થાયપરંતુ એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી બ્રિજ તરીકે પણ તે કામ કરશે. ખંભાત અને તારાપુરથી જંબુસર અને દહેજ ઔદ્યોગિક વસાહત વચ્ચેના વાહનવ્યવહારના અંતરમાં અંદાજે ૭૫ કિલોમીટરનો ધરખમ ઘટાડો થઈ જશે. આ અંતર ઘટવાથી દરરોજ હજારો લિટર ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) ની બચત થશે અને કિંમતી સમય પણ બચશે. દહેજ પીસીપીઆઇઆર (PCPIR) અને ખંભાત-તારાપુર પટ્ટા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનતા વેપાર-ઉદ્યોગને મોટો વેગ મળશે.

આ યોજના માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ સમગ્ર વિસ્તારનો ચહેરો બદલી નાખશે. આણંદના ૧૫૨વડોદરાના ૧૬૪ અને ભરૂચના ૮૧ મળીને કુલ ૪૦૯ જેટલા ગામો અને ૩૨ તળાવોને આ યોજનાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મળશે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી સ્થાનિક સ્તરે જ રોજગારીની વિપુલ તકો ઊભી થશેજેથી યુવાધનનું શહેરો તરફ થતું સ્થળાંતર અટકશે. તે ઉપરાંત નદી કિનારે વિશાળ જળરાશિ જમા થવાના કારણે આ સ્થળ ભવિષ્યમાં એક સુંદર પ્રવાસન ધામ (ટૂરિઝમ સ્પોટ) તરીકે પણ વિકસી શકે છેજે સ્થાનિકો માટે આવકનું નવું સાધન બનશે.

મહી નદી પર સાકાર થનારો આ બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટ ગુજરાતની વિકાસયાત્રામાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.