Western Times News

Gujarati News

પ્રિયદર્શન અક્ષય કુમાર સાથે નવમી ફિલ્મ કરશે

વધુ એક વખત એક કોમેડી થ્રિલર ફિલ્મ બનાવશે

ફિલ્મનું નિર્માણ ટિપ્સ કરશે અને તેનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં, લગભગ ડિસેમ્બરમાં, શરૂ થવાની શક્યતા છે

મુંબઈ, પ્રિયદર્શને હેરા ફેરી ૩માંથી અલગ થયા બાદ હવે પોતાની આગામી ફિલ્મ અંગે મહત્વની જાહેરાત કરી છે. પ્રિયદર્શને જાહેરાત કરી છે કે તેમની આગામી ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બંનેની સાથેની નવમી ફિલ્મ હશે.તાજેતરમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જાહેર કર્યું હતું કે પ્રિયદર્શન હવે હેરા ફેરી ૩નું ડિરેક્શન નહીં કરે. ત્યારબાદ પ્રિયદર્શને પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરતા ચાહકોની આશાઓને ઝટકો લાગ્યો હતો.

હવે આ અંગેના અહેવાલો અનુસાર, પ્રિયદર્શનની આગામી ફિલ્મ એક કોમેડી-થ્રિલર હશે, જેમાં હાસ્ય અને રોમાંચનું અનોખું મિશ્રણ જોવા મળશે. ફિલ્મનું નિર્માણ ટિપ્સ કરશે અને તેનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં, લગભગ ડિસેમ્બરમાં, શરૂ થવાની શક્યતા છે.સુત્રોના જણાવ્યા મુજબ, પ્રિયદર્શને ફિલ્મની મૂળ વાર્તા તૈયાર કરી છે અને હવે તેઓ લેખક રોહન શંકર સાથે મળીને તેની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. રોહન શંકરે અગાઉ પ્રિયદર્શન સાથે ભૂત બંગલામાં પણ તેની સાથે કામ કર્યું હતું.

અહેવાલો મુજબ, પ્રિયદર્શને અગાઉ અનેક કોમેડી અને થ્રિલર ફિલ્મો બનાવી છે, પરંતુ આ ફિલ્મ બંને શૈલીને અલગ અંદાજમાં રજૂ કરશે. તેમનું માનવું છે કે આ એવો પ્રકારનો પ્રોજેક્ટ છે, જે તેમણે અગાઉ ક્યારેય કર્યાે નથી.અગાઉ એવી ચર્ચા હતી કે પ્રિયદર્શન પહેલા પંકજ ત્રિપાઠી સાથે ડ્રામેડી ફિલ્મ અને ત્યારબાદ મોહનલાલ સાથેનો પ્રોજેક્ટ શરૂ કરશે. જોકે, હવે બંને ફિલ્મો હાલ પુરતી મોકુફ રાખવામાં આવી હોવાનું કહેવાય છે.

પ્રિયદર્શને તાજેતરમાં આ નવા પ્રોજેક્ટ અંગે પુષ્ટિ કરતાં માત્ર એટલું જ કહ્યું, “મારી આગામી ફિલ્મ અક્ષય કુમાર અને ટિપ્સ સાથે છે.”અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી અત્યાર સુધી હેરા ફેરી, ગરમ મસાલા, ભૂલ ભુલૈયાસ ભાગમ ભાગ, જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. હાલમાં બંને ભૂત બંગલા અને હૈવાનમાં પણ સાથે કામ કરી રહ્યા છે. હવે આ નવી કોમેડી-થ્રિલર સાથે બંને ફરી એકવાર દર્શકોને મનોરંજનનો નવો અનુભવ કરાવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.