બ્રેક ફેલ ટ્રેલરે મચાવી તબાહી, ૧૨ વાહનો અથડાયા, ૨૦થી વધુને ઈજા
રામગઢમાં ભયાનક અકસ્માત
અકસ્માતગ્રસ્ત વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
રામગઢ, ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના નેશનલ હાઈવે પર આવેલા ચુટ્ટૂપાલૂ ઘાટી વિસ્તારમાં બુધવારે ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. ઘાટીમાંથી નીચે ઉતરી રહેલા એક સ્પીડમાં જતાં ટ્રેલરની બ્રેક ફેલ થઈ ગઈ હતી. કંટ્રોલ બહાર ગયેલા આ ટ્રેલરે રસ્તા પર જતાં અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં એકસાથે ૧૨ વાહનો વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, ટ્રેલરની બ્રેક ફેલ થતાં જ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ અનિયંત્રિત ટ્રેલરે રસ્તા પર આગળ જઈ રહેલી કાર, કન્ટેનર અને અન્ય ગાડીઓને એક પછી એક કચડી નાખી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, એક કાર તો ટ્રેલર અને કન્ટેનરની વચ્ચે છુંદાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ હાઈવે પર અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ રામગઢ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતગ્રસ્ત વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ભેગા કરાયા હતા. ઘાયલ થયેલા ૨૦થી વધુ લોકોમાંથી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતને કારણે રાંચી-પટના નેશનલ હાઈવે પર ટ્રાફિક પૂરેપૂરો ઠપ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રસ્તા પર વિખરાયેલા તૂટેલા વાહનોને હટાવવા માટે મોટી ક્રેનની મદદ લેવી પડી હતી, જેના કલાકો બાદ વાહનવ્યવહાર ધીમે-ધીમે સામાન્ય થયો હતો. પોલીસે અકસ્માતનું પ્રાથમિક કારણ બ્રેક ફેલ થવાનું જણાવ્યું છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.SS1
