Western Times News

Gujarati News

બોબી દેઓલ આશ્રમ સીઝન ૪ માટે ફરી બાબા નિરાલા બનશે

નવી સીઝનનું શૂટિંગ ઓગસ્ટથી શરૂ થશે

નવી સીઝનમાં દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, વિક્રમ કોચર, ત્રિધા ચૌધરી, અધ્યયન સુમન અને રાજીવ સિદ્ધાર્થ સહિતના કલાકારો પણ ફરી જોડાશે

મુંબઈ, ઓટીટી પર સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય બનેલી વેબ સિરીઝ ‘એક બદનામ… આશ્રમ’ હવે તેની ચોથી સીઝન સાથે ફરી દર્શકો સામે આવવા તૈયાર છે. આ અંગેના અહેવાલો અનુસાર, ઓગસ્ટ ૨૦૨૬થી સીઝન ૪નું શૂટિંગ શરૂ થવાનું છે. આ નવા અધ્યાયમાં ફરી એકવાર બોબી દેઓલ પોતાના યાદગાર પાત્ર બાબા નિરાલા તરીકે પરત ફરશે. તેની સાથે આદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ અને અન્ય મુખ્ય કલાકારો પણ ફરી જોવા મળશે.

સિરીઝનું દિગ્દર્શન હંમેશની જેમ પ્રકાશ ઝા સંભાળશે. ૨૦૨૦માં શરૂ થયેલી ‘એક બદનામ… આશ્રમ’ ભારતની સૌથી સફળ ઓટીટી સિરીઝમાંની એક બની હતી. આધ્યાત્મિક ગુરુના વેશમાં સમાજ, રાજકારણ અને સત્તાના દુરુપયોગનું જાળું રચતા બાબા નિરાલાની કહાનીને દર્શકોએ ભારે પસંદ કરી હતી. ધર્મ, રાજકીય પ્રભાવ, ભ્રષ્ટાચાર અને શોષણ જેવા ગંભીર મુદ્દાઓને રજૂ કરતી આ સિરીઝે ભારતીય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અલગ ઓળખ ઊભી કરી હતી.

સિરીઝની સૌથી મોટી ખાસિયત બોબી દેઓલનું બાબા નિરાલાનું પાત્ર રહ્યું છે. આ નકારાત્મક અને જટિલ ભૂમિકાએ તેમની કારકિર્દીને નવી દિશા આપી હતી. લાંબા સમય પછી બોબી દેઓલે આ સિરીઝ દ્વારા જોરદાર કમબેક કર્યું અને ત્યારબાદ ફિલ્મો તેમજ વેબ સિરીઝમાં તેમને અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સ મળ્યા.‘એક બદનામ… આશ્રમ’ સીઝન ૩ પાર્ટ ૨ના અંતે અનેક પ્રશ્નો અધૂરા રહી ગયા હતા.

બાબા નિરાલાના સામ્રાજ્ય સામે ઊભા થયેલા પડકારો, પમ્મીની લડત અને ભોપા સ્વામીના બદલાતા સમીકરણોએ આગામી સીઝન માટે ઉત્સુકતા વધારી હતી. સીઝન ૪માં આદિતિ પોહનકર ફરી પમ્મીના પાત્રમાં જોવા મળશે, જ્યારે ચંદન રોય સાન્યાલ ફરી એકવાર ભોપા સ્વામી તરીકે મહત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, વિક્રમ કોચર, ત્રિધા ચૌધરી, અધ્યયન સુમન અને રાજીવ સિદ્ધાર્થ સહિતના કલાકારો પણ ફરી જોડાશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.