Western Times News

Gujarati News

આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ દાહોદના લીમખેડાના ગ્રામજનો સ્મશાન વિહોણા

દાહોદ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ ગામના લોકોને સ્મશાન જેવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે. પરિણામેં સ્થાનિક લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં તો સ્થિતિ વધુ નિકટ બની જાય છે. ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સ્મશાન અને રસ્તાની સુવિધા ઊભી કરવા માંગ કરી છે.

એક તરફ સરકાર ગામડાઓમાં વિકાસના મોટા દાવા કરે છે , ત્યારે લીમખેડા તાલુકાના આ ગામમાં આજે પણ સ્મશાન જેવી મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ગામમાં સ્મશાન માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો વર્ષોથી હડફ નદીના પટમાં અંતિમ વિધિ કરવાં મજબૂર બન્યાં છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ કફોડી બની જાય છે. નદીમાં પાણી ભરાઈ જતાં અંતિમ સંસ્કાર માટે પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. અનેક વખત ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તાની પણ સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે અંતિમયાત્રા દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં સાંસદ અને ધારાસભ્ય હોવા છતાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે.

આ મુદ્દે આદિવાસી સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.લોકોનું કહેવું છે કે મૃત્યુ બાદની અંતિમ વિધિ માટે પણ જો યોગ્ય વ્યવસ્થા ન હોય તો વિકાસના દાવાઓનો કોઇ અર્થ રહેતો નથી.

હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બનેલા ગ્રામજનો હવે સરકાર, સ્થાનિક જનપ્રતિનિધીઓ અને વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો અંત ક્યારે આવશે અને ગ્રામજનોને સ્મશાન જેવી પાયાની સુવિધા ક્યારે મળશે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.