વરલી મટકાના જુગારના અડ્ડા પર દરોડો: આરોપીના પુત્રનો કોન્સ્ટેબલ પર હુમલો
(એજન્સી)અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીગ બોર્ડના એક મકાનમાં ચાલતા હાઈટેક વરલી મટકાનું જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી જુગાર રમાડતા પિતા અને પુત્રની ધરપકડ કરી છે.
જોકે પોલીસે કાર્યવાહીથી ઉશ્કેરાઈ જઈને પુત્રએ સરકારી ફરજમાં રૂકાવટ કરી એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ઈજાઓ પહોચાડતા મામલો ગરમાવો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો મોટી સંખ્યામાં મોબાઈલ ટેબલેટ અને લેપટોપ સહીત કુલ ૭,૪૬ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કૃષ્ણનગર પોલીસ મથકના કોન્સ્ટેબલના સંજયકુમાર ગોવિદભાઈ અને સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીગમા હતાં. તે દરમયાન બાતમી મળી હતી કે ગુજરાત હાઉસીગ બોર્ડના એક મકાનમાં રાજેશ મનોહરલાલ ઉઘાણી અને તેને પુત્ર સુભમ ઉઘાણી પોતાના આર્થિક ફાયદા માટે મોબાઈલ ફોનમાં મુંબઈ વરલી મટકાના એક ફરકનો જુગાર રમી રમાડી રહયા છે. બાતમી પાકી હોવથી પોલીસે જુગાર ધારાની કલમ મુજબનું વોરંટ મેળવી પંચોને સાથે રાખી મકાન પર દરોડો પાડયો હતો.
પોલીસે ઘરમાં પ્રવેશીને તપાસ શરૂ કરતા જ અને આરોપીઓ બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમયાન રર વર્ષીય આરોપી પુત્ર સુભમ ઉઘાણી ઉશ્કેરાઈ ગયો હતો. અને કોન્સ્ટેબલ સંજયકુમાર તરફ ધસી આવી ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેણે પોતાના નખ વડે કોન્સ્ટેબલના ગળાના ભાગે તથા ડાબા હાથે સામાન્ય ઈજાઓ પહોચાડી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જોકે સાથેના સ્ટાફે તેને તુરંત જ દબોચી લીધો હતો.
પોલીસે ઘરમાં ઝીણવટભરી તપાસ કરતા જુગારના આંકડા લખેલા પેમ્પફલેટસ અલગ અલગ કંપનીના ૪૬ કિપેડવાળા મોબાઈલ ૧૭ ટચસ્કીન મોબાઈલ ૧પ ટેબલેટ ૬ હેડફોન ૧ લેપટોપ અને ર સીપીયુ સહીત કુલ ૭,રપ,૮૭૩નો ઈલેકટ્રોનીકસ મુદામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓની અંગઝરતીમાંથી ર૦,૦૦૦ના બે મોબાઈલ અને ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ર બોટલો કિમત ૬૧૦ પણ મળી આવી હતી.
પોલીસે કુલ ૭,૪૬,૪૮૩નો મુદામાલ કબજે કર્યો છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે કોન્સ્ટેબલ પર હુમલો અને સરકારી ફરજમાં રૂકાવટ બદલ ભારતીય નાગરીક સુરક્ષા સહીતા હેઠળ તેમજ દારૂ મળી આવવા બદલ પ્રોહીબીશન એકટ હેઠળ અલગથી ગુનો નોધી પીએસઆઈ નરેન્દ્રસિંહ ચારણને વધુ તપાસ સોપી છે.
