Western Times News

Gujarati News

મૈસુરવાસીઓ ગુજરાતી સંસ્કૃતિનાં તાલે ઝુમ્યા અને કલાના રંગે રંગાયા, રૂ.1.65 કરોડથી વધુની હસ્તકલાનું વેચાણ

સતત 10માં વર્ષે મૈસુરમાં ‘ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026’ યોજાયો હતો

ગાંધીનગર, મૈસુરુ ખાતે યોજાયેલ ગુજરાત હસ્તકલા ઉત્સવમાં રૂ. 1.65 કરોડથી વધુની વિવિધ હસ્તકલાની કલાકૃતિઓનું વેચાણ કરીને કસબીઓએ રાજ્યની પરંપરાગત કલાકારીગરીનું નામ રોશન કર્યું છે.

આ ઉત્સવ દ્વારા મૈસુર-કર્ણાટકમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ અને પરંપરાગત હસ્તકલાનો ગૌરવમય પરિચય કરાવવામાં ફરી એક વાર સફળતા મળી છે. સાથે જ; ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન પ્રાપ્ત થયું છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન કૉટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે સતત 10માં વર્ષે ‘ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026’ યોજાયો હતો. આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્ણાટક સરકારના ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કમિશનર તથા હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ્સ વિભાગના નિયામક શ્રી એ. બી. બસવરાજુએ કર્યું હતું. આ પ્રસંગે ઇન્ડેક્ષ્ટ-સીના શ્રી કે.એસ. ટેલર, જનરલ મેનેજર (હાટ) તથા જોઈન્ટ કમિશનર, જે.એસ.એસ. સંસ્થાના અધિકારીઓ, ઇન્ડેક્ષ્ટ-સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

100 થી વધુ સ્ટોલમાં કૃતિઓનું પ્રદર્શન અને વેચાણ

આ ઉત્સવનો મુખ્ય હેતુ ગુજરાતના પરંપરાગત હસ્તકલા અને હાથશાળ કારીગરોને સીધું બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત તેમની આવકમાં વધારો કરવાનો તેમજ રોજગારીની તકોને વિસ્તૃત કરવાનો હેતુ પણ છે. આ મેળામાં આ વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ સ્ટૉલમાં કારીગરોએ પોતાની હસ્તનિર્મિત કૃતિઓનું પ્રદર્શન વેચાણ કર્યું હતું. આ ઉત્સવમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વૈવિધ્યસભર હસ્તકલાઓને સામેલ હતી.

લુપ્તપ્રાય તથા પરંપરાગત કલાઓ મુખ્ય આકર્ષણ

આ ઉત્સવનું વિશેષ આકર્ષણ રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કાર વિજેતા કારીગરો તેમજ લુપ્તપ્રાય પરંપરાગત કલાઓના કારીગરોનું પ્રદર્શન રહ્યું હતું. આ ઉપરાંત કચ્છ ક્રાફ્ટ ગૅલેરીમાં કચ્છી ભરતકામ, અજરખ બ્લૉક પ્રિન્ટ, બાંધણી, કચ્છી શાલ સહિતની વિવિધ પરંપરાગત હસ્તકલાઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને મૈસુરના નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ સાંપડ્યો હતો.

ગુજરાતી સંસ્કૃતિનાં તાલે મૈસુરવાસીઓ ઝુમ્યા

મૈસુરની જનતાના અભૂતપૂર્વ પ્રતિસાદના પરિણામે 10 દિવસના ઉત્સવમાં ગુજરાતની હસ્તકલાનું રૂ. 1 કરોડ 65 લાખથી વધુનું વેચાણ નોંધાયું હતું. જેનાથી ગુજરાતના હસ્તકલા કારીગરોનો ઉત્સાહ વધ્યો છે. ઉત્સવ દરમિયાન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી યોજાયેલ રાસ, ગરબા અને ટીપણી નૃત્યના કાર્યક્રમોમાં મૈસુરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યાંના સ્થાનિક લોકો ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાઈ ઝૂમી ઉઠ્યા હતા.

મુક-બધિર વિદ્યાર્થીઓને મુક-બધિર કારીગરો દ્વારા તાલીમ

ઉત્સવમાં વિવિધ શાળા-કૉલેજોના 1,200થી વધુ વિદ્યાર્થીઓની મુલાકાતનું આયોજન કરાયુ હતું. અહીંયા કારીગરોએ દરરોજ 10થી 20 વિદ્યાર્થીઓના જૂથોને વિવિધ હસ્તકલાઓની તાલીમ આપી હતી. સૌથી વિશેષ બાબત તો એ હતી કે 50 જેટલા મુક-બધિર વિદ્યાર્થીઓને મેળામાં ભાગ લેનાર મુક-બધિર કારીગરો દ્વારા જ વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

ઇન્ડેક્ષ્ટ-સીના માધ્યમથી ગુજરાતની હસ્તકલાનું સંરક્ષણ, સંવર્ધન અને કારીગરોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને સફળ બનાવવા બદલ ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના અગ્ર સચિવ તથા કમિશનર અને ઇન્ડેક્ષ્ટ-સીના ચૅરમેન શ્રી મોહમ્મદ શાહિદ (આઈ.એ.એસ.) દ્વારા તમામ કારીગરો, અધિકારીઓ અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર ઉત્સવનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંજય જોષી (આઈ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.