રાણકી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોની ઐતિહાસિક સિદ્ધિ
(એજન્સી)પાટણ, ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. પાટણની વિશ્વવિખ્યાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણકી વાવ’ પર આધારિત ૩ડી પ્રોજેક્શન મેપિંગ શોને પ્રતિષ્ઠિત ડબ્લ્યુઓડબ્લ્યુ એવોર્ડ્સ એશિયા ૨૦૨૬’માં ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વારસા અને આધુનિક ટેક્નોલોજીના અનોખા સમન્વયને મળેલા આ આંતરરાષ્ટ્રીય સન્માનથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવી સિદ્ધિ ઉમેરાઈ છે.
નવી દિલ્હી ખાતે યોજાયેલા ૧૭મા ડબ્લ્યુઓડબ્લ્યુ એવોર્ડ્સ એશિયા’ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. એશિયાના ઇવેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મંચ પર ગુજરાતના આ પ્રોજેક્શન મેપિંગ શોએ પોતાની આગવી ઓળખ ઉભી કરીને ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે.
પાટણની રાણકી વાવ તેની અદભુત સ્થાપત્ય કલા, ઐતિહાસિક મહત્વ અને સુંદર કોતરણી માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ૩ડી પ્રોજેક્શન મેપિંગ શો તૈયાર કરવામાં આવ્યો હતો. આ શોમાં વાવની રચના, તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને કલા વારસાને આધુનિક લાઇટ, સાઉન્ડ અને ડિજિટલ ટેક્નોલોજી દ્વારા જીવંત બનાવવામાં આવ્યા છે.
આ પ્રસ્તુતિ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખાતી રાણકી વાવ હવે ટેક્નોલોજીના ઉપયોગથી રાત્રિના સમયે પણ પ્રવાસીઓને નવી અનુભૂતિ કરાવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સાથે રાજ્યના પ્રવાસન વિકાસને પણ નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આવા પ્રોજેક્ટ્સ ઐતિહાસિક સ્થળોને માત્ર સંરક્ષિત રાખવામાં જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાણકી વાવના ૩ડી પ્રોજેક્શન મેપિંગ શોને મળેલો ગોલ્ડ એવોર્ડ ગુજરાતની ઐતિહાસિક ધરોહર, સર્જનાત્મકતા અને આધુનિક ટેક્નોલોજીના સફળ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
