Western Times News

Gujarati News

દારૂના અડ્ડાનો વિરોધ કરતાં બૂટલેગરે મહિલાઓને ઢોર માર માર્યો

AI Image

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો અને બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે.

ચાંદખેડાની શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્રિત થયેલા સ્થાનિક રહીશો પર બૂટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. બૂટલેગરોએ સોસાયટીના પુરુષોની સાથે મહિલાઓને પણ બેરહેમીથી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો હતો.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અસામાજિક દૂષણથી સોસાયટીના રહીશો ભારે પરેશાન હતા. આ દારૂના અડ્ડાને સદંતર બંધ કરાવવા માટે આજે સોસાયટીના રહીશોએ એક મહત્વની મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તમામ રહીશોએ એકજૂથ થઈને બૂટલેગરને સોસાયટીની અંદર દારૂ વેચવાની કડક મનાઈ ફરમાવી હતી. પોતાની કમાણી બંધ થઈ જવાની બીકે બૂટલેગર ભારે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં જ બબાલ શરૂ થઈ ગઈ હતી.

સ્થાનિક લોકોએ લગાવેલા આક્ષેપ મુજબ, વિરોધથી ઉશ્કેરાયેલા બૂટલેગરે તુરંત જ ફોન કરીને બહારથી અન્ય અસામાજિક તત્વો અને પોતાના સાગરીતોને હથિયારો સાથે સોસાયટીમાં બોલાવી લીધા હતા.

આ ટોળકીએ સોસાયટીમાં આવીને સામાન્ય નાગરિકો પર હિંસક હુમલો કરી દીધો હતો અને લોકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આતંક મચાવનારા આ શખ્સોએ સોસાયટીની મહિલાઓને પણ છોડી ન હતી અને તેમની સાથે પણ અમાનુષી મારપીટ કરી હતી. બૂટલેગરોના આ હિંસક આતંકના કારણે સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.