Western Times News

Gujarati News

વીમા કંપનીની મનમાની પર આયોગનો કડક પ્રહાર, મૃતક ખેડૂતના પરિવારને વ્યાજ સાથે મળશે ૪ લાખ!

પ્રતિકાત્મક

વીમા કંપનીને રૂ. ૪ લાખ સાત ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ-વીમા કંપનીના મોટા ખેલનો પર્દાફાશઃ પોલિસીમાં ન હોય તેવી કલમ બતાવી ખેડૂતનો દાવો ફગાવ્યો

(એજન્સી)અમદાવાદ, રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ગ્રાહકો અને ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે, વીમા કંપનીઓ કોઈ નક્કર કે કાયદેસરના પુરાવા વિના ગ્રાહકોના વીમા દાવા ફગાવી શકે નહીં. પોલિસીમાં જે જોગવાઈ અસ્તિત્વમાં જ ન હોય, તેનો આધાર લઈને દાવો નકારવો એ સેવામાં ગંભીર ખામી ગણાય.

આ ટકોર સાથે રાજ્ય આયોગે વીમા કંપનીની અપીલ ફગાવીને જિલ્લા ગ્રાહક આયોગના આદેશને યથાવત રાખ્યો છે. મૂળ બોટાદ (અગાઉ ભાવનગર) જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના ખેડૂત બુધાભાઈ રણછોડભાઈ ગાબુનું જૂન-૨૦૧૬માં વીજ કરંટ લાગવાથી કરૂણ મૃત્યુ થયું હતું.

ગઢડા કૃષિ ઉપજ બજાર સમિતિ દ્વારા ખેડૂત ખાતેદારો માટે જૂથ અકસ્માત વીમા પોલિસી લેવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત મૃતક ખેડૂતના વારસદારોને રૂ. ૪ લાખનો વીમો મળવાપાત્ર હતો. જોકે, વીમા કંપનીએ એવો આક્ષેપ કર્યો હતો કે મૃતક ખેડૂતે ગેરકાયદે વીજ જોડાણ લીધું હતું, તેથી પોલિસીની અપવાદરૂપ જોગવાઈ મુજબ આ દાવો મંજૂર કરી શકાય નહીં તેમ કહી ક્લેમ ફગાવી દીધો હતો.

જૂન-૨૦૧૬માં ખેડૂત બુધાભાઈ ગાબુ પોતાના ઘરની અગાસી પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી પાઇપ નીકળી જતાં, તેને ફરીથી ફિટ કરવાનો પ્રયાસ કરતી વખતે તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ પંચનામું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના તમામ સરકારી દસ્તાવેજોમાં આ મૃત્યુ અકસ્માતજન્ય હોવાનું સાબિત થયું હતું.

જિલ્લા ગ્રાહક આયોગના મેમ્બર જજ પ્રિતી શાહ અને પ્રિસાઇડીંગ મેમ્બર એ.સી. રાવલે અગાઉ ખેડૂત પરિવારની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને રૂ. ૪ લાખ સાત ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે વીમા કંપનીએ રાજ્ય આયોગમાં અપીલ કરી હતી.

રાજ્ય ગ્રાહક આયોગે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, પોલીસ પંચનામું અને પીએમ રિપોર્ટ અકસ્માતની પુષ્ટિ કરે છે. વીમા કંપનીએ દાવો ફગાવવા માટે જે ‘એક્સક્લુઝન ‘કલમનો ઉલ્લેખ કર્યો હતો, તેવી કોઈ કલમ મૂળ વીમા પોલિસીમાં અસ્તિત્વમાં જ નથી! વીમા કંપનીએ રજૂ કરેલા પીજીવીસીએલના પંચનામાને આયોગે રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.