Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર LCBની મોટી સફળતા: ઇલેક્ટ્રિક મોટર ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ

₹5.08 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર: જિલ્લામાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ પર લગામ કસવા માટે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ખેતરો અને અન્ય સ્થળોએથી ઇલેક્ટ્રિક દેડકા મોટરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગેંગે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આરોપીઓની ધરપકડ સાથે જ વઢવાણ, જોરાવરનગર, લખતર અને ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઇલેક્ટ્રિક મોટર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે.

મુદ્દામાલની વિગત: પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની ઇલેક્ટ્રિક દેડકા મોટરો અને ચોરીમાં વપરાયેલા વાહનો સહિત કુલ ₹5.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્થાનિક ખેડૂતો માટે આ દેડકા મોટર ચોરી માથાનો દુખાવો બની ગઈ હતી, ત્યારે LCBની આ સફળ કામગીરીથી સ્થાનિકો અને ખેડૂત આલમમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓ અગાઉ અન્ય કોઈ ચોરીની ઘટનાઓમાં સામેલ હતા કે કેમ, તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.