નાયબ મુખ્યમંત્રીએ ધ્વજારોહણ કરી ભગવાન જગન્નાથજી સમક્ષ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ સંપન્ન થયું હતું. ધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત મહાનુભાવો સાથે ભગવાનની મહાઆરતીમાં સહભાગી થયા હતા. શ્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અણસરના ૧૫ દિવસ બાદ સ્વસ્થ થઈને નિજ મંદિર પધારેલા ભગવાનના તેજસ્વી સ્વરૂપના ‘નવયૌવન દર્શન‘ સાથે ગર્ભગૃહમાં પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી, જ્યાં ભક્તોને ભવ્ય ‘સોનાવેશ‘ (શણગાર)માં ભગવાનના દર્શનનો લહાવો મળ્યો હતો.
View this post on Instagram
અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે મજબૂત સુરક્ષા વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો અને સોશિયલ પોલીસિંગ થકી તમામ આનુષંગિક તૈયારીઓ સુનિશ્ચિત કરી છે.
જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે ધ્વજારોહણ, નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમૂલ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી અંજુબેન શાહ, રાજ્ય પોલીસ વડા શ્રી જી.એસ.મલિક, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત,
મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
