Western Times News

Gujarati News

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો -ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર ખતરો

AI Image

(એજન્સી) નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની અસર હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને વેપારી જહાજોની સુરક્ષા અંગે ઉભી થયેલી ચિંતાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે.

મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૮૪ ડોલરથી ઉપર પહોંચી ગયો હતો, જ્યારે અમેરિકન ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ૮૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઊર્જા બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં હાલનો સંઘર્ષ લાંબો ચાલશે તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર ૧૦૦થી ૧૨૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનો એક છે. ઈરાન, ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે આવેલો આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. દુનિયાના કુલ ક્રૂડ ઓઈલ અને એલએનજી પુરવઠાનો લગભગ ૨૦ ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી અથવા જહાજોની અવરજવરમાં વિક્ષેપ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા પુરવઠા પર પડે છે.

તાજેતરના દિવસોમાં વેપારી જહાજો પર હુમલા અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઉભી થયેલી સુરક્ષા ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં અસ્થિરતા વધી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે, જ્યારે અનેક દેશો પોતાના વ્યૂહાત્મક ઓઈલ ભંડાર પર નજર રાખી રહ્યા છે.

વિશ્લેષકોનું કહેવું છે કે જો સંઘર્ષ વધુ વિકરાળ બનશે અને મુખ્ય ઓઈલ નિકાસ માર્ગો પ્રભાવિત થશે તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર ગંભીર અસર થઈ શકે છે.
ભારત માટે પણ આ પરિસ્થિતિ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશ પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત દ્વારા પૂરો કરે છે.

જો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ સર્જાશે તો આયાત ખર્ચ વધશે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને એવિએશન ફ્યુઅલના ભાવમાં વધારો થઈ શકે છે. તેની સીધી અસર મોંઘવારી, પરિવહન ખર્ચ અને ઔદ્યોગિક ઉત્પાદન પર પડી શકે છે. રૂપિયો પણ દબાણ હેઠળ આવી શકે છે, જેના કારણે આયાત વધુ મોંઘી બનવાની શક્્યતા છે.

આર્થિક નિષ્ણાતો માને છે કે આગામી કેટલાક દિવસોમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર વિશ્વના નાણાકીય બજારોની નજર રહેશે. જો રાજદ્વારી પ્રયાસો સફળ થશે તો તેલના ભાવમાં સ્થિરતા આવી શકે છે, પરંતુ સંઘર્ષ વધુ ઊંડો બનશે તો વૈશ્વિક શેરબજારો, ચલણ બજાર અને કોમોડિટી માર્કેટમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. ભારત સહિત અનેક દેશો માટે ઊર્જા સુરક્ષા અને મોંઘવારીનું સંચાલન આગામી દિવસોમાં સૌથી મોટો પડકાર બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.