સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમો ઝડપાયા, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની તપાસ તેજ
AI Image
અગાઉ થયેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ ૮ શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી હતી.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની રથયાત્રા પહેલા ગુજરાત એ.ટી.એસ.એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સિદ્ધપુરમાં વધુ ૫ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરીને સંભવિત આતંકી નેટવર્કની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગુજરાત એ.ટી.એસ. દ્વારા રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ ૫ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ.ટી.એસ. દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઓપરેશનને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ગુજરાત એ.ટી.એસ.એ ગત ૧૩મી તારીખે સિદ્ધપુર શહેરના વ્યસ્ત ઝાંપલીપોળ વિસ્તારમાં ગુપ્ત અને મોટા પાયે તપાસ હાથ ધરી હતી.
એ.ટી.એસ.ની ટીમે મોડી સાંજ સુધી એક કટલરી વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા આ દુકાનમાંથી નાના રમકડાંમાં ઉપયોગમાં લેવાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હતી. આ માહિતીના આધારે એ.ટી.એસ.એ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી ‘નૂરાની ટેલર્સ’ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો હતો. એ.ટી.એસ.ની ટીમ આ વ્યક્તિને વધુ પૂછપરછ અને તપાસ માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આજે સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
જેમાં વધુ ૫ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એ.ટી.એસ.ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક તહેવાર દરમિયાન કોઈ પણ વિઘ્ન ના આવે તેનો પ્રયાસ અને આતંકી સંગઠનને ફરી સક્રિય કરવાના સંભવિત ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ થયેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ ૮ શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, તેમાં સિદ્ધપુરમાંથી ૩, પાલનપુરમાંથી ૩ અને ચીખલીમાંથી ૧ શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો.
હવે સિદ્ધપુરમાંથી વધુ ૫ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એ.ટી.એસ.ને એવા કેટલાક પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે કે આતંકી પ્રવૃત્તિઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોઈ શકે છે. જેના આધારે એ.ટી.એસ.ની વિવિધ ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં સઘન તપાસ શરૂ કરી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરાંત તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સીઓ હવે મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાનના સગડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ઝાંપલીપોળ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
