Western Times News

Gujarati News

૫૧ છગ્ગા, ૫૩૭ રન અને ટી૨૦ ઇતિહાસનું સૌથી મોટું રન ચેઝ

ક્રિકેટની રૅકોર્ડ બુક હચમચી

૨૬૭ રનના ઐતિહાસિક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

ઓકલેન્ડ,જો કોઈએ એવું કહ્યું હોત કે ૨૦-૨૦ ઓવરની એક મેચમાં ૫૩૭ રન બનશે, ૫૧ સિક્સર લાગશે, ૩ સદી ફટકારાશે અને ટી૨૦ ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ જોવા મળશે, તો કદાચ કોઈને વિશ્વાસ ન આવત. પરંતુ મેજર લીગ ક્રિકેટ ૨૦૨૬ ના એલિમિનેટર-૧માં આવો જ કરિશ્મા થયો છે. ઓકલેન્ડ ખાતે રમાયેલા આ ઐતિહાસિક મુકાબલાએ ટી૨૦ ક્રિકેટની વ્યાખ્યા જ બદલી નાખી છે. વોશિંગ્ટન ફ્રીડમે અશક્યને શક્ય કરીને ટી૨૦ ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ પોતાના નામે કરી લીધો છે.મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI ન્યૂયોર્કે ૨૦ ઓવરમાં ૨૬૬/૯ નો પહાડ જેવો સ્કોર ઉભો કર્યાે હતો.

નિકોલસ પૂરને માત્ર ૩૧ બોલમાં સદી ફટકારીને MLC ઇતિહાસની સૌથી ફાસ્ટ સેન્ચુરી (૧૦૬ રન) ઠોકી દીધી હતી. તેમની સાથે કૅપ્ટન કીરોન પોલાર્ડે ૨૫ બોલમાં ૬૪ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને પોતાના ટી૨૦ કરિયરમાં ૧૦૦૦ સિક્સર પૂરી કરવાનો વર્લ્ડ રૅકોર્ડ પણ બનાવ્યો હતો. ક્વિન્ટન ડી કોકે પણ અર્ધસદી ફટકારી હતી. ૧૩ ઓવરમાં MI ન્યૂયોર્કનો સ્કોર ૨૧૧/૩ હતો અને એવું લાગતું હતું કે સ્કોર ૩૦૦ પાર જશે, પરંતુ રચિન રવીન્દ્રએ છેલ્લી ઓવરોમાં ૪ વિકેટ ઝડપીને તેમને ૨૬૬ રન પર રોકી દીધા હતા.૨૬૭ રનના ઐતિહાસિક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર ૧૦ રનના સ્કોર પર શાકિબ અલ હસને તેમના બંને ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

આ પછી એન્ડ્રીસ ગોસ અને કૅપ્ટન સ્ટીવ સ્મિથે મેદાન પર પગ મૂક્યો અને ઇતિહાસ લખી દીધો. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર ૮૯ બોલમાં ૨૪૧ રનની ભાગીદારી કરી હતી, જે ટી૨૦ ઇતિહાસની સંયુક્ત રીતે બીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે. ગોસે ૫૬ બોલમાં ૧૩૨ રન બનાવ્યા, જ્યારે સ્ટીવ સ્મિથે ૪૯ બોલમાં અણનમ ૧૧૦ રન ફટકાર્યા હતા. બંનેએ ૪૦-૪૦ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને વોશિંગ્ટન ફ્રીડમને ૧૮.૪ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને ૨૭૦ રન બનાવી ૬ વિકેટે ઐતિહાસિક જીત અપાવી દીધી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.