‘રામાયણ’ના ૪.૧૫ મિનિટના ટ્રેલરને મળ્યું ‘યુ’ સર્ટિફિકેટ
યુનિવર્સલ સર્ટિ.થી દરેક ઉમરના લોકો ફિલ્મ જોઈ શકશે
‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે
મુંબઈ,નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ‘યુ’ (યુનિવર્સલ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝને હજુ ત્રણ મહિનાથી વધુ સમય બાકી હોવા છતાં નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મનું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે સામાન્ય ફિલ્મોનાં ટ્રેલર કરતાં ‘રામાયણ’નું ટ્રેલર નોંધપાત્ર રીતે લાંબું છે. ૧૫ જુલાઈએ સેન્સર દ્વારા મંજુર કરાયેલા ટ્રેલરની લંબાઈ ૪ મિનિટ અને ૧૫ સેકન્ડ છે. સામાન્ય રીતે ફિલ્મ રિલીઝનાં ઘણા સમય પહેલાં રજુ થતાં ટ્રેલર બે-ત્રણ મિનિટના હોય છે, પરંતુ ‘રામાયણ’નું ટ્રેલર દર્શકોને ફિલ્મની ભવ્ય દુનિયાની વિસ્તૃત ઝલક કરાવશે તેવી અપેક્ષા છે.
સેન્સરની વેબસાઇટ પર ટ્રેલરની બે અલગ-અલગ એન્ટ્રી જોવા મળે છે. તેમાં ટેર્લર – રામાયણ થ્રીડીની લંબાઈ ૪ મિનિટ ૧૫ સેકન્ડ દર્શાવવામાં આવી છે, જ્યારે ‘થિએટ્રીકલ ટ્રેલર – રમાયણ થ્રીડી’ની લંબાઈ ૪ મિનિટ છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર કયું વર્ઝન રજૂ કરવામાં આવશે તે જોવાનું રહેશે.આ ફિલ્મની આ ત્રીજી પ્રમોશનલ એસેટ હશે. ગયા વર્ષે ૩ જુલાઈએ ફિલ્મનો પ્રથમ ઇન્ટ્રોડક્શન વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હનુમાન જયંતિના અવસરે નિર્માતાઓએ ‘રામ’ નામનું વિશેષ ટીઝર રજૂ કર્યું હતું, જેમાં ભગવાન શ્રીરામના પાત્રની પ્રથમ ઝલક દર્શાવવામાં આવી હતી. ૨ મિનિટ ૩૮ સેકન્ડ લાંબા આ ટીઝરને પણ સેન્સર દ્વારા ‘યુ’ સર્ટિફિકેટ મળ્યું હતું.
ભવ્ય સ્ટારકાસ્ટ ધરાવતી ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હાત્રા કરી રહ્યા છે, જ્યારે સંગીતનું સર્જન એ.આર. રહેમાન અને હોલિવૂડના ઓસ્કાર વિજેતા સંગીતકાર હાન્સ ઝિમરે કર્યું છે. બે ભાગમાં બની રહેલી આ મેગા ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી ૨૦૨૬માં રિલીઝ થશે, જ્યારે તેનો બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં સિનેમાઘરોમાં આવશે. SS1
