ડાયરેક્ટર રાજકુમાર હિરાની કે મને સોનમ વિશે ખબર જ નહોતીઃ આમિર ખાન
ચતુરને ગણાવ્યો ખોટો, ફેન્સ પણ ચોંક્યા
રાજકુમાર હિરાની દ્વારા લિખિત અને નિર્દેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી
મુંબઈ,દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ચાલી રહેલી ભૂખ હડતાળ વચ્ચે સુપરસ્ટાર આમિર ખાને આ મુદ્દે
પોતાની ચૂપકીદી તોડી છે. તાજેતરમાં ‘૩ ઇડિયટ્સ’ ફેમ ‘ચતુર’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્ય અને અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિતના સેલેબ્સે વાંગચુકના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન એક કાર્યક્રમમાં આમિર ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’નું મુખ્ય પાત્ર ‘ફૂંગસુક વાંગડુ’ સોનમ વાંગચુક પર આધારિત નહોતું અને આ માત્ર એક ગેરસમજ છે.બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના એક ઇવેન્ટ દરમિયાન આમિર ખાને જણાવ્યું કે, “ના, વાસ્તવમાં આ વાત સાચી નથી, તે એક ગેરસમજ છે.
જ્યારે અમે ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે મને મિસ્ટર સોનમ વાંગચુક વિશે કોઈ માહિતી નહોતી. મેં તાજેતરમાં ચતુર (ઓમી વૈદ્ય) નો એક વિડીયો જોયો, જેમાં તેણે આવું કહ્યું હતું, પણ તે ખોટું છે. કદાચ ચતુર એવું વિચારતો હશે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગું છું કે ન તો ડાયરેક્ટર રાજુ (રાજકુમાર હિરાની), ન તો રાઇટર અભિજાત જોશી કે ન તો મને સોનમ વિશે ખબર હતી.”જોકે, આમિર ખાને સોનમ વાંગચુકના કાર્યાેની પ્રશંસા કરતા ઉમેર્યું કે, “મિસ્ટર સોનમ જે કામ કરી રહ્યા છે તે અદ્ભુત છે. તેમના કામનું સન્માન કરવા માટે એ જરૂરી નથી કે તેમનું પાત્ર ‘૩ ઇડિયટ્સ’ માં દર્શાવવામાં આવ્યું હોય. ખુદ સોનમ વાંગચુકે પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે આ પાત્ર તેમના પર આધારિત નથી.” સોનમ વાંગચુકની લાંબી ભૂખ હડતાળ પર ચિંતા વ્યક્ત કરતા આમિર ખાને કહ્યું, “અમે બધા તેમના સ્વાસ્થ્ય અને જીવનને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે આશા રાખીએ છીએ કે બધું બરાબર પાર પડશે અને તેઓ વહેલી તકે પોતાના ઉપવાસ પૂરા કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.”
સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ પૂર્વે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વિડીયોમાં ઓમી વૈદ્યએ કહ્યું હતું કે, “હું નથી ઈચ્છતો કે ફૂંગસુક વાંગડુ મૃત્યુ પામે. સોનમ એક મહાન શિક્ષક, ઇનોવેટર અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. લાંબા ઉપવાસના કારણે તેમનું બ્લડ શુગર ખૂબ ઓછું થઈ ગયું છે. લદ્દાખ અને પર્યાવરણના મુદ્દે તેમની ચિંતાઓ ખૂબ ગંભીર છે. તમે તેમની વાત સાથે સહમત હોવ કે ન હોવ, પણ દેશના આવા પ્રેરણાદાયી માણસનો જીવ બચવો જોઈએ. લોકોએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ.” રાજકુમાર હિરાની દ્વારા લિખિત અને નિર્દેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી. એન્જિનિયરિંગ કોલેજના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે ભારતીય શિક્ષણ પ્રણાલીની ખામીઓ પર કટાક્ષ કરતી એક આઇકોનિક ફિલ્મ ગણાય છે.SS1
