ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે જાપાની વેક્સિનને આપી મંજૂરી
(એજન્સી) નવી દિલ્હી, દેશમાં દર વર્ષે ડેન્ગ્યુના કારણે ભારે તબાહી મચે છે. વરસાદ પછી દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ ફેલાય છે અને તેના કારણે દર વર્ષે હજારો લોકોના મોત પણ થાય છે. પરંતુ હવે તેના પર બ્રેક લાગશે. સરકારે ડેન્ગ્યુને ખતમ કરવા માટે રસીને મંજૂરી આપી દીધી છે. ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ એન્ડ ઓર્ગેનાઈઝેશનએ જાપાની રસી ક્યુડેન્ગાને મંજૂરી આપી દીધી છે.
ક્યુડેન્ગાને જાપાની દવા કંપની તાકેડા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસી ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે, જેનો અર્થ છે કે આ રસી ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપથી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
જાપાની કંપની અનુસાર, આ રસી એવા લોકોને પણ આપી શકાય છે જેમને પહેલા ડેન્ગ્યુ થઈ ચૂક્્યો છે. બીજી તરફ, જેમને અત્યાર સુધી ડેન્ગ્યુ નથી થયો તે તો લઈ જ શકશે. આ રસી લગાવતા પહેલા ડેન્ગ્યુની તપાસ કરાવવાની જરૂર નથી. કંપનીએ કહ્યું છે કે આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ભારતમાં છેલ્લા બે દાયકા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ૧૧ ગણો વધારો નોંધાયો છે.
આ રસી બનાવવા માટે જાપાની કંપની તાકેડા ફાર્માસ્યુટિકલએ ૨૦૨૪ માં ભારતની રસી કંપની બાયોલોજિક ઇ સાથે ભાગીદારી કરી હતી. આ કરાર હેઠળ દર વર્ષે ૫ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા વિકસાવશે. આનાથી તાકેડાને દાયકાના અંત સુધીમાં વિશ્વભરમાં દર વર્ષે ૧૦ કરોડ ડોઝ ઉત્પાદન કરવાના તેના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.
આપણે બધા જાણીએ છીએ કે ડેન્ગ્યુ મચ્છર કરડવાથી ફેલાય છે. તે મચ્છરની અંદર ડેન્ગ્યુ વાયરસ હાજર હોય છે. ડેન્ગ્યુ તાવ વિશ્વભરમાં એક પડકાર બની રહ્યો છે. વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના કુલ કેસોમાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ભારતનો છે. તાકેડાના ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્સના વડા મહેન્દ્ર નાયકે કહ્યું, ૨૦૨૨ માં લોન્ચ થયા પછી ૪૩ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને વિશ્વભરમાં તેના ૩.૨ કરોડથી વધુ ડોઝ વિતરિત કરવામાં આવ્યા છે. કંપનીએ એ પણ જણાવ્યું કે લાંબા ગાળાના અભ્યાસમાં ડેન્ગ્યુ સંક્રમણ અને ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમ સામે સતત અસરકારક સુરક્ષા પ્રદાન કરી છે.
લાંબા ગાળાના ક્લિનિકલ ડેટા અનુસાર, આ રસીની અસરકારકતા ઘણી ઉત્તમ છે. તે ડેન્ગ્યુના ચારેય સ્ટ્રેનથી થતી બીમારીને રોકવામાં સક્ષમ છે. આ રસી સામાન્ય રીતે થતા ડેન્ગ્યુના જોખમને ૬૧ થી ૮૦ ટકા સુધી ઘટાડે છે. તે હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવવામાં મદદ કરે છે. તેના બે ડોઝ લીધા પછી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ લગભગ ૮૪% થી ૯૦% સુધી ઓછું થઈ જાય છે.
