Western Times News

Gujarati News

ટાટ પરીક્ષા વિવાદ વચ્ચે વિદ્યાસહાયક ભરતીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ૧૧ હજાર વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલો ટાટ પરીક્ષાનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. પરીક્ષાના ૧૮ પ્રશ્નો ખોટા હોવાનો મુદ્દો ઉઠાવતા અનેક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.

આ મામલે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે કેસનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી ૫૦૦ બેઠકો ખાલી રાખીને બાકીની ૧૦,૫૦૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે. સરકારનું કહેવું છે કે અંતિમ ચુકાદા બાદ બાકીની જગ્યાઓ પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્યમાં શિક્ષકોની મોટી જરૂરિયાત છે અને ભરતી પ્રક્રિયા લાંબા સમય સુધી અટકવાથી સરકારી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા પર અસર પડી રહી છે.

ભરતી કેલેન્ડર જાહેર થઈ ચૂક્્યું હોવાથી સમગ્ર પ્રક્રિયા અટકાવવાને બદલે મોટાભાગની જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સરકારે એ પણ જણાવ્યું કે જો કોર્ટ અંતે અરજદારોના પક્ષમાં નિર્ણય આપે તો અનામત રાખવામાં આવેલી ૫૦૦ બેઠકો પર તેમની ભરતી કરી શકાશે.

બીજી તરફ અરજદારોએ સરકારની રજૂઆતનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે માત્ર ૫૦૦ બેઠકો ખાલી રાખવાથી તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો હાલ ભરતી પૂર્ણ થઈ જશે તો અંતિમ નિર્ણય બાદ તેમને પોતાની પસંદગીની શાળા અથવા સ્થળ પર નિમણૂક મળવાની શક્્યતા ઘટી જશે. ઉમેદવારોએ દલીલ કરી કે સુધારેલા ગુણના આધારે નવી મેરિટ તૈયાર કરીને તમામ ઉમેદવારોને યોગ્ય ક્રમ મુજબ નિમણૂક આપવી જોઈએ.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજદારોને પૂછ્યું કે જો સરકાર ૫૦૦ બેઠકો ખાલી રાખવા તૈયાર છે તો બાકીની ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં વાંધો શા માટે હોવો જોઈએ. કોર્ટે જણાવ્યું કે માત્ર ૫૦૦ ઉમેદવારોના મુદ્દાને કારણે સમગ્ર રાજ્યની ભરતી પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેસના ગુણદોષના આધારે જે અંતિમ નિર્ણય આવશે તે તમામ પક્ષકારો માટે બંધનકર્તા રહેશે.

અરજદારો તરફથી એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે પરંતુ અંતિમ નિમણૂકનો નિર્ણય કેસના નિકાલ સુધી સ્થગિત રાખવામાં આવે. સરકારે જવાબ આપ્યો કે ૧૮ પ્રશ્નો ખરેખર ખોટા છે કે નહીં તેનો નિર્ણય કોર્ટ કરશે, ત્યારબાદ જ વધારાના ગુણ આપવા અંગે કાર્યવાહી શક્્ય બનશે. હાલ હાઈકોર્ટે વધુ સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી છે. હવે રાજ્યના હજારો ઉમેદવારોની નજર આગામી સુનાવણી અને હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.