સાયબર ગઠિયાઓએ વૃદ્ધ દંપતીને 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવા કહ્યું અને…
AI Image
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે વૃદ્ધ દંપતીને ‘ડિજિટલ અરેસ્ટ‘માં ફ્રોડસ્ટર્સને સોનું અને રોકડ આપે તે પહેલા બચાવી લીધા
સાયબર ગઠિયાઓએ વૃદ્ધ દંપતીને 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને ₹૨ લાખની ફિક્સ ડિપોઝિટ તોડવાની સૂચના આપી હતી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવવા અને ત્વરિત સહાય પૂરી પાડવા પોલીસને સૂચના આપી છે. તેમણે તાજેતરમાં નાગરિકોને આવા ગુનાઓથી બચાવવા માટે વરિષ્ઠ પોલીસ અને બેંક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી
બેંકના એક જાગૃત કર્મચારીએ વૃધ્ધ દંપતીને ગભરાયેલા જોયા અને શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરી
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી ‘ડિજિટલ અરેસ્ટ‘ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી છે. મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખ આપીને વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને પૈસા પડાવવાનો ખેલ રચ્યો હતો. જોકે, પોલીસે આ 75 વર્ષીય દંપતીને તૈઓ આ ઠગોને સોનુ કે પૈસા આપે તે પહેલા આ ફ્રોડમાંથી બચાવી લીધા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ વૃદ્ધ દંપતીને ખોટો ડર બતાવ્યો હતો કે, રસિકભાઇ મોદી (પતિ) ના આધાર કાર્ડ સાથે લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ “નરેશ ગોયલ” નામના વ્યક્તિ સાથે જોડાયેલા નાણાકીય કૌભાંડમાં થયો છે. પીડિતોને ડરાવવા માટે ઠગોએ સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ દ્વારા તેમને કહેવાતા “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખ્યા હતા અને કાનૂની કાર્યવાહીનો ભય બતાવ્યો હતો.
ત્યારબાદ ઠગોએ કેસમાંથી નામ હટાવવા માટે પૈસાની માંગણી કરી હતી. તેઓએ કથિત રીતે પીડિતોને 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને રૂપિયા 2 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) તોડીને રકમ ભેગી કરવાની સૂચના આપી હતી.
આ ઠગાઈનો પ્રયાસ ત્યારે નિષ્ફળ ગયો જ્યારે વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા એક્સિસ બેંકની શાખામાં પહોંચ્યું. બેંકના એક જાગૃત કર્મચારીએ આ દંપતીને ગભરાયેલા જોયા અને શંકા ગઇ. આ બેંક કર્મચારીએ તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી.
ઘટનાની ગંભીરતા જોઈને સાયબર ક્રાઇમની ટીમ તુરંત બેંક પહોંચી હતી. તેમણે દંપતીનું કાઉન્સેલિંગ કર્યું, તેમને આશ્વાસન આપ્યું કે, તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, અને તેમને નાણાં તેમજ સોનું ગુમાવતા બચાવી લીધા. બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમ પોલીસની સમયસરની સક્રિયતાને કારણે મોટું નાણાકીય નુકસાન અટકાવી શકાયું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડનો ભોગ બનવાના જોખમમાં હોય તેવા નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા પોલીસને નિર્દેશ આપ્યા છે. તેમણે તાજેતરમાં નાગરિકોને નાણાકીય ગુનાઓથી બચાવવા માટે વરિષ્ઠ પોલીસ અને બેંક અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી, જેથી યોગ્ય સંકલન સાધી શકાય અને આવા ફ્રોડ અટકાવવા માટેના પગલાં અમલમાં મૂકી શકાય.
પોલીસે નાગરિકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, “ડિજિટલ અરેસ્ટ” સ્કેમથી સતર્ક રહેવા ફરી એકવાર અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પોલીસ કે સરકારી એજન્સી વિડીયો કોલ દ્વારા તપાસ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.
