લોકસભામાં વિપક્ષના હંગામાને કારણે આ વિષય પર ચર્ચા ન થઈ શકી
File
સંસદમાં સરકાર-વિપક્ષ વચ્ચે ગતિરોધ સમાપ્ત -એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા અને વોટિંગ
નવી દિલ્હી, લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ આખરે સમાપ્ત થયો છે. પેપર લીક સંબંધિત બિલ પર આવતીકાલે (૨૮ જુલાઈ) સદનમાં ચર્ચા થશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની પહેલ બાદ તમામ મુખ્ય રાજકીય પક્ષોએ મંગળવારથી આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા શરૂ કરવા સહમતિ વ્યક્ત કરી છે.
બીલ રજુ થયા બાદ લોકસભામાં વિરોધ પક્ષે ભારે હંગામો કર્યો હતો પરંતુ આ બીલની ગંભીરતાને ધ્યાનમાં રાખી અધ્યક્ષે તમામ પક્ષોને શાંતિ જાળવવા અને આ બીલ માટે એકસૂત્ર થવા કહ્યું હતું અને તેમની અપીલના પગલે તથા નેતાઓની વચ્ચે થયેલી બેઠક બાદ આ બીલના મુદ્દે સહમતિ સંધાઈ હતી અને પ્રાથમિક માહિતી મુજબ આવતીકાલે આ બીલ પર ચર્ચા અને વોટિંગ થાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
સદનની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે, આ વિષય દેશના કરોડો વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં આના પર વ્યાપક અને સાર્થક ચર્ચા થવી જરૂરી છે.
સ્પીકરની આ સકારાત્મક પહેલ બાદ લોકસભા અધ્યક્ષે ખુદ વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી. જેના પરિણામે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ સહમતિ સાધીને મંગળવારે બિલ પર વિસ્તૃત ચર્ચા કરાવવાનો નિર્ણય લીધો છે. આનાથી સદનમાં સહમતિ અને સંવાદની ભાવનાને પણ બળ મળ્યું છે.
આ બિલ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, નકલ, સંગઠિત પરીક્ષા માફિયા અને અન્ય અયોગ્ય સાધનો પર અસરકારક રોક લગાવવાના હેતુથી લાવવામાં આવ્યું છે. મંગળવારે થવા જઈ રહેલી ચર્ચા દરમિયાન વિવિધ પક્ષો બિલની જોગવાઈઓ પર પોતાના સૂચનો અને સુધારા પણ રજૂ કરી શકે છે. ચર્ચા બાદ સરકાર આ સૂચનોનો જવાબ આપશે અને ત્યારબાદ વિધેયકને સદનની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
સંસદીય પરંપરાઓ હેઠળ અધ્યક્ષ ઓમ બિરલાની પહેલે ફરી એકવાર એ સંદેશ આપ્યો છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સંવાદ, સહમતિ અને વિસ્તૃત ચર્ચા જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. તેમના પ્રયાસોથી તમામ પક્ષોનું ચર્ચા માટે તૈયાર થવું એ સંસદીય ગરિમા અને લોકતાંત્રિક મૂલ્યોનું સકારાત્મક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
નીટ પેપર લીક સામે અનેક અઢવાડિયા સુધી ચાલેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે (૨૭ જુલાઈ) લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કર્યું હતું. આના પર સત્તાપક્ષના સભ્યોએ ટેબલ થપથપાવીને પોતાનું સમર્થન આપ્યું હતું. લોકસભા સ્પીકરે બિલ પર સુધારા રજૂ કરવા માટે બપોરે ૧ઃ૦૦ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો હતો, પરંતુ વિપક્ષના હંગામાને કારણે આજે આના પર ચર્ચા ન થઈ શકી.
સીજેપીના આંદોલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ૩ દિવસ વિડીયો જાહેર કરી પેપર લીકના મુદ્દે જુદી જુદી જાહેરાતો કરી હતી ખાસ કરીને આ કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની ભલામણ કરી હતી અને નિર્ણય પણ લીધો હતો અને તે અંગેનું બીલ આજે લોકસભામાં રજુ થયું છે.
