ઋષિવનમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ટેકનિકથી અંદાજે 30 હજાર લીલીના છોડ ઉછેર્યા
૨૪ કલાક ઓક્સિજન આપતો આ છોડ બજારમાં ૩૦૦ રૂપિયા આસપાસ મળતો હોય છે-પર્યાવરણ પ્રેમી જીતુભાઈ તિરુપતિની અનોખી પહેલ
(પ્રતિનિધિ) હિંમતનગર, ચોમાસામાં ‘વૃક્ષપાલન’નો સંદેશઃ ૧૦ છોડમાંથી ૩૦ હજાર લીલી તૈયાર કરનાર જીતુભાઈ તિરુપતિની ખેડૂતો અને યુવાનોને ખાસ અપીલ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે
ત્યારે પર્યાવરણ પ્રેમી અને ‘ગ્રીન એમ્બેસેડર’ જીતુભાઈ તિરુપતિ (ગ્રીન ગ્લોબલ બ્રિગેડ) દ્વારા પર્યાવરણ જતન અને વૃક્ષારોપણ અંગે એક ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. ચોમાસાની આ સિઝનનો મહત્તમ ઉપયોગ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે તેમણે ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓ અને યુવાનોને અપીલ કરી છે.
જીતુભાઈ તિરુપતિએ જણાવ્યું હતું કે, વર્ષના ૩૬૫ દિવસમાંથી માંડ ૧૦ થી ૧૫ દિવસ સારો વરસાદ પડતો હોય છે. જેમ આપણે રોજિંદી રોજી-રોટી કમાવા માટે સવારે નીકળીએ છીએ, તેમ આ ૧૫ દિવસના વરસાદી માહોલનો ઉપયોગ કરીને ખેડૂતો અને વિવિધ સંસ્થાઓએ મહત્તમ ઝાડ વાવવા જોઈએ.
ઋષિવન ખાતે માત્ર ૧૦ લીલીના છોડથી શરુ થયેલી આ યાત્રા આજે ૩૦,૦૦૦ થી પણ વધુ છોડ સુધી પહોંચી છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કળા થકી લીલીના મૂળમાંથી ફૂટેલા નવા અંકુરો (બચ્ચાં) તૈયાર કરીને છેલ્લા ૩ દિવસમાં જ ૧,૦૦૦ જેટલા નવા છોડ રોપવામાં આવ્યા છે.
૨૪ કલાક ઓક્સિજન આપતો આ છોડ બજારમાં ૩૦૦ રૂપિયા આસપાસ મળતો હોય છે, જે અહીં કુદરતી રીતે જ હજારોની સંખ્યામાં પુનઃઉત્પાદિત કરવામાં આવ્યો છે. આ સફળતાનો શ્રેય તેમણે બાબુ વનબંધુને આપ્યો હતો.
યુવાનોને માત્ર નોકરીના ચક્કરમાં ન રહેતા પ્રકૃતિ સાથે જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ એકમાંથી હજારો વસ્તુઓ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ ઉપરાંત, સરકાર દ્વારા મળતા મફત છોડનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરના શેઢા-પાળા પર પશુપાલન સાથે વૃક્ષપાલન પણ કરે તેવી ટકોર કરવામાં આવી છે. ગ્લોબલ ર્વોમિંગ અને ઉનાળાની આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ એ જ એકમાત્ર ઉત્તમ ઉપાય છે.
