Western Times News

Gujarati News

અમદાવાદમાં નારાયણ સેવા સંસ્થાનની નિઃશુલ્ક શિબિરમાં આશાનું કિરણ

450થી વધુ દિવ્યાંગજનોએ ભાગ લીધો, 327 લાભાર્થીઓ માટે 3ડી-પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગ માટે માપ લેવામાં આવ્યા

અમદાવાદ, 26 જુલાઈ: નારાયણ સેવા સંસ્થાન તથા તેના સીએસઆર ભાગીદાર ઇન્ગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવારે નવરંગપુરા સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ સર્જરી તપાસ, પસંદગી તેમજ જાપાની-જર્મન ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલા 3ડી-પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર આર્ટિફિશિયલ લિમ્બ મેઝરમેન્ટ કેમ્પ (કૃત્રિમ અંગ માપણી શિબિર) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં 450થી વધુ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. નિષ્ણાંત ડોક્ટરો તથા પીએન્ડઓ ટીમે 327 દિવ્યાંગજનો માટે નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગો (કૃત્રિમ હાથ અને પગ) માટે જરૂરી માપ લીધા હતા.

શિબિરનું ઉદ્ઘાટન સમાજસેવિકા રમિલાબેન ટી. પટેલ, જોગેન્દ્ર પ્રતાપ સિંહ, વલ્લભભાઈ ધાનાણી, ચંદ્રકાંતભાઈ પટેલ, કિરીટભાઈ શાહ, પુષ્પાબેન રાઠોડ, આશુતોષભાઈ પંડિત, વિવેક પટેલ, શીતલ પટેલ અને જગદીશ ચેચાની સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું.

આ પ્રસંગે સમાજસેવિકા રમિલાબેન ટી. પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગજનોની સેવા એ જ ઈશ્વરની સાચી સેવા છે. નારાયણ સેવા સંસ્થાન વર્ષોથી દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે સમર્પિત ભાવથી કાર્ય કરી રહ્યું છે. આવા સેવાકીય કાર્યોને સમાજ તરફથી સતત સહયોગ મળતો રહેવો જોઈએ.

સંસ્થાનના સંરક્ષક તથા મુંબઈ શાખાના પ્રમુખ મહેશ અગ્રવાલે જણાવ્યું હતું કે સંસ્થાનની સેવાભાવનાને જોઈ તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે દિવ્યાંગજનોને જીવનમાં ક્યારેય હાર ન માનવા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાન દિવ્યાંગજનોને શારીરિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવા માટે અનુસરવા યોગ્ય કાર્ય કરી રહ્યું છે.

મહાનુભાવોએ શિબિરની મુલાકાત લઈને દિવ્યાંગજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ ડોક્ટરો પાસેથી સારવાર અને પુનર્વસનની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી.

જનસંપર્ક વિભાગના વડા ભગવાન પ્રસાદ ગૌર, શિબિર પ્રભારી હરિ પ્રસાદ લઢ્ઢા, સુરત પ્રભારી અચલ સિંહ ભાટી તથા અમદાવાદ પ્રભારી કૈલાશ ચૌધરીએ મેવાડની પરંપરા અનુસાર મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાન દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક સેવાઓ જેવી કે દિવ્યાંગજનોની સર્જરી, કૃત્રિમ અંગોનું વિતરણ, દરરોજ 5,000 જરૂરિયાતમંદ લોકોને ભોજન, આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે નિઃશુલ્ક નારાયણ ચિલ્ડ્રન્સ એકેડમી, સ્વરોજગાર તાલીમ તેમજ સમૂહ લગ્ન જેવા સેવાકીય પહેલની માહિતી આપવામાં આવી હતી.

સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે શિબિરમાં 450થી વધુ દિવ્યાંગજનોની નોંધણી કરવામાં આવી હતી. નિષ્ણાંત ડોક્ટરો તથા પીએન્ડઓ ટીમે તમામની તપાસ કરીને 327 દિવ્યાંગજનો માટે નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગ માટે માપ લીધા હતા. સાથે જ દિવ્યાંગજનો માટે કેલિપરના માપ પણ લેવામાં આવ્યા હતા અને 33 દિવ્યાંગજનોને નિઃશુલ્ક સર્જરી માટે પસંદ કરવામાં આવ્યા હતા.

મહેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આજે જેમના માપ લેવામાં આવ્યા છે તે દિવ્યાંગજનોને અંદાજે બે થી ત્રણ મહિના બાદ અમદાવાદમાં યોજાનારી શિબિરમાં જાપાની અને જર્મન ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલા હળવા, ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળા નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગો નિઃશુલ્ક પહેરાવવામાં આવશે. શિબિરમાં તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન, ચા અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 40 સભ્યોની ટીમે પોતાની સેવાઓ આપી હતી, જ્યારે સમગ્ર શિબિરનું સંકલન મહિમ જૈને કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.