સાબરકાંઠામાં ઝરમરીયો વરસાદ, આકાશ વાદળ છાયું
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સોમવારે છ તાલુકામાં હળવો વરસાદ પડયો હતો જોકે છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૩ થી ૧૬ મિમી સર્વત્ર વરસાદ વરસ્યો છે.
હાલતો જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ઓછી રહી છે. દરમ્યાન સોમવારે આખો દિવસ વાદળછાયો રહયો હતો અને ઝરમર વરસાદ થવાને કારણે અનેક ઠેકાણે કાદવકીચડનો ઉપદ્રવ વધી ગયો છે.
ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં ૦૩, વિજયનગરમાં ૦ર, વડાલીમાં ૦૧, ઈડરમાં ૦પ, પ્રાંતિજ ૦૭, તલોદમાં ૧૪ મીમી વરસાદ પડયો હતો જોકે પોશીના પંથકમાં સોમવારે વરસાદનું એકપણ ટીંપુ પડયું નથી તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં પોશીનામાં સૌથી વધુ ૧૬ મિમી, ખેડબ્રહ્મામાં ૧૨, વડાલી-હિંમતનગરમાં ૮, પ્રાંતિજમાં ૬, વિજયનગરમાં ૫ અને ઇડરમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો.
હાલની સ્થિતીએ સાબરકાંઠામાં આવેલા ગુહાઈ જળાશય ૫૫.૦૯ ટકા ભરાયેલું છે અને તેમાં ૧૦૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, હાથમતી જળાશય ૪૯.૯૮ ટકા ભરાયેલું છે, પરંતુ તેમાં કોઈ આવક નથી. જવાનપુરા બેરેજ ૫.૮૧ ટકા ભરાયેલું છે, જેમાં ૫૦ ક્યુસેક પાણીની આવક સામે ૫૦ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
દરમ્યાન સોમવારે સાબરકાંઠા જિલ્લામાં દિવસ દરમ્યાન ઝરમર વરસાદને કારણે અનેક ઠેકાણે વાદળોથી મોટાભાગના વિસ્તારો ઢંકાઈ ગયા હતા જેના લીધે વાતાવરણ પણ મનમોહક અને સુંદર દ્રશ્યોને કારણે લોકોએ તેવા દ્રશ્યોને મનભરીને માણ્યા હતા.
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા વડાલી તાલુકાના મોરડ, કુબાધરોલ અને નાદરી પંથકમાં ચોમાસાની ઋતુએ કુદરતી સૌંદર્યમાં વધારો કર્યો છે. હાલમાં પડી રહેલા વરસાદને કારણે ડુંગરોના શિખરો વાદળોની વચ્ચે ઢંકાઈ જતાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે.
આકાશમાં છવાયેલા વાદળો અને ડુંગરો વચ્ચેનો નજારો પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં ખેડુતોએ વાવેતર કરેલ પાકને અનુકુળ ઠંડક મળવાને કારણે વિકાસ વધવા માંડયો છે.
