રખડતાં કૂતરાંનો મામલો HCમાં, સુપ્રીમના નિર્દેશ મુજબ સુઓમોટો
મ્યુનિ. કોર્પાેરેશન અને પાલિકાઓને નિરાકરણ માટેની રૂપરેખા રજૂ કરવા નિર્દેશ
કોર્ટે તમામ મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની કામગીરીનો ડેટા એકત્ર કરીને રજૂ કરવા આદેશ કર્યાે હતો
અમદાવાદ, રખડતાં કૂતરાઓનો મામલો હવે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ મ્યુનિ. કોર્પાેરેશન અને પાલિકાઓ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા હોય અને કોઇ રૂપરેખા બનાવવામાં આવી હોય તો એ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓમોટો રિટમાં એનિમલ વેલ્ફેર બોર્ડ, તમામ મહાનગર પાલિકાઓ, મ્યુનિ. કમિશનરો, NHAI વગેરેને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
રખડતાં કૂતરાઓના ત્રાસના મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને એ કેસમાં રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ સમક્ષ ત્રણ સોગંદનામા દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સમગ્ર બાબતનો ચિતાર આપતો એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. કોર્ટે તમામ મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની કામગીરીનો ડેટા એકત્ર કરીને રજૂ કરવા આદેશ કર્યાે હતો. આ અરજીમાં કૂતરાં દત્તક લેવા, વેક્સિનેશન, ખાવાની જગ્યાઓ, હેલ્પલાઇન વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં AMC પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં રખડતા કૂતરાંના ત્રાસ મામલે ગંભીર નોંધ લીધી છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોના અમલીકરણની દેખરેખ માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે વધુ સુનાવણી ચાર ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે. જે તારીખ સુધીમાં રાજ્ય સરકાર અને અન્ય સત્તામંડળોને તેમનો અમલીકરણ અહેવાલ રેકોર્ડ પર મૂકવા માટે જણાવાયું છે.સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાનમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તે કેસમાં સુપ્રીમ કોર્ટે દેશની દરેક હાઇકોર્ટને સુઓમોટો કાર્યવાહી નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી રખડતા કૂતરાંના વ્યવસ્થાપન સંબંધિત તેના નિર્દેશોના અમલીકરણની રાજ્ય સ્તરે દેખરેખ રાખી શકાય. હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. આ કાર્યવાહીથી રાજ્ય સરકાર અને નાગરિક સત્તામંડળોને વૈધાનિક માળખા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર અગાઉથી હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં તેમજ આગળના અમલીકરણ માટેની રૂપરેખા કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.SS1
