Western Times News

Gujarati News

અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્ય પુસ્તકો આપવાનો નિર્ણય

પ્રતિકાત્મક

પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી

શાળા તથા ઘરમાં પાણી ભરાવાના કારણે પુસ્તકો પલળી ગયા હોય તેવા તમામ બાળકોને નવા પુસ્તક મળશે

અમદાવાદ, રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. આ માટે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી. આ સ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના બાળકોના હિતમાં નિર્ણય કરાયો છે. જેમાં ભારે વરસાદના પગલે શાળા કે ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે પાઠ્ય પુસ્તકોને નુકસાન થયું હોય તેવા તમામ બાળકોને નવા પાઠ્ય પુસ્તકો આપવામાં આવશે. આ વિશિષ્ટ આયોજન પાછળનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ સંદર્ભે વધુ વિગતો આપતાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિથી પ્રભાવિત તમામ વિસ્તારોની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોની સચોટ વિગતો મેળવીને સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએથી માગણી પત્રક મળતાની સાથે જ મંડળ દ્વારા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનો જથ્થો પ્રભાવિત શાળાઓ સુધી ઝડપથી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.