ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીને હાઇકોર્ટે જામીન આપ્યા
ભારતમાં ઘૂસ્યા બાદ બનાવટી આધાર કાર્ડ બનાવી સીમ કાર્ડ મેળવ્યું હતું
હાઇકોર્ટે જામીન માટે મૂકેલી શરતો પૈકી એક પણ શરતનો ભંગ કરશે તો તેની સામે વોરંટ કાઢીને તેની ધરપકડ કરી લેવાની રહેશે
અમદાવાદ,
ગેરકાયદેસર રીતે ભારતની સરહદમાં ઘૂસી આવેલા અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આધાર કાર્ડ બનાવી લેનારા બાંગલાદેશી નાગરિકને હાઇકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યાે છે. હાઇકોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા છે. જેમાં એવી શરત રાખવામાં આવી છે કે આરોપી અરજદારે જામીનનો દુરુપયોગ કરવાનો રહેશે નહીં અને તેણે કોઇપણ પ્રકારની કાયદો વ્યવસ્થા ભંગ કરનારી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો રહેશે નહીં. તેણે વર્તમાન સરનામાના સાચા દસ્તાવેજી પુરાવા આપવાના રહેશે અને ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના સરનામું બદલવાનું રહેશે નહીં. કોર્ટની મંજૂરી વિના ભારત પણ છોડી શકશે નહીં. તેણે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. હાઇકોર્ટે જામીન માટે મૂકેલી શરતો પૈકી એક પણ શરતનો ભંગ કરશે તો તેની સામે વોરંટ કાઢીને તેની ધરપકડ કરી લેવાની રહેશે.
ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટના પ્રાથમિક અવલોકનોથી પ્રભાવિત થયા વિના કેસની ટ્રાયલ ચલાવવાની રહેશે. સુરતના ભેસ્તાણ પોલીસ સ્ટેશનમાં મીનાર હેમાયત સરદાર નામની બાંગ્લાદેશી વ્યક્તિ વિરુદ્ધ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને બનાવટી દસ્તાવેજો બનાવવા સહિતના ગુનાની ફરિયાદ નોંધાઇ છે. જે કેસમાં રેગ્યુલર જામીન મેળવવા માટે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એ મતલબની રજૂઆતો કરવામાં આવી હતી કે સંબંધિત હ્લૈંઇમાં જે ગુના નોંધવામાં આવ્યા છે એમાં અરજદારની કોઇ ભૂમિકા નથી. તેને શરતોને આધિન જામીન પર મુક્ત કરવો જોઇએ. જ્યારે રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતાં એવી રજૂઆત કરી હતી કે,‘અરજદાર બાંગ્લાદેશી નાગરિક છે અને ભારતની સરહદમાં તેણે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે.
એટલું જ નહીં ભારતમાં પ્રવેશ કરી લીધા બાદ તેણે બનાવટી આધાર કાર્ડ મેળવ્યું હતું અને તે સિવાયના બનાવટી દસ્તાવેજો પણ મેળવી લીધાં હતા. જેના આધારે તેણે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને સીમ કાર્ડ પણ લીધું હતું. તેથી તેના ગુનાને જોતાં જામીન આપવા જોઇએ નહીં. અલબત્ત, હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે. એ સંજોગોમાં હાલ અરજદારને શરતી જામીન આપવામાં આવે છે.ss1