કડિયાકામ કરતા આધેડની હત્યાના મામલે બે ભાઈ ઝડપાયા
ગાંધીનગર, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મોખાસણ ગામે તા.ર૬ જાન્યુઆરી ર૦રપના રોજ રતનજી છનાજી ઠાકોર (ઉ.વ.પ૩, રહે. મોખાસણ ગામ, તા.કલોલ)ની લોખંડના સળિયા અને છરીના ઘા મારી હત્યા થઈ હોવાના મામલે સનસનાટી મચી ગઈ હતી.
બનાવ અંગે મૃતકના પુત્ર અજય રતનજી ઠાકોરે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે મોખાસણ ગામના બે સગા ભાઈઓના નામ જણાવ્યા હતાં. ધોળા દિવસે થયેલી હત્યાના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. જેથી આરોપીઓને ઝડપીલેવા નાયબ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સહિતના અધિકારીઓએ તાકીદ કરતા ગાંધીનગર એલસીબી, શાખા-૧ અને -ર એસઓજી તેમજ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી.
આ ટીમોએ આરોપીઓના મોબાઈલ નંબર, ગુનાની જગ્યાની આજુબાજુના સીસીસીટીવી કુટેજ, તેમજ હત્યાના સ્થળની આસપાસના રહીશોની પુછપરછ કરી આરોપીઓનુ પગેરુ મેળવી ગુનામાં વપરાયેલા હથિયાર સાથે ગણતરીના કલાકોમાં સંજય ઉર્ફે મંગો અમરજી ઠાકોર (ઉ.વ.ર૭) અને જયેશજી અમરાજી ઠાકોર (ઉ.ર૩ બંને રહે. માધુપુરા, મોખાસણ ગામ, તાલુકો- કલોલ)ને ઝડપી પાડયા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે રતનજી છનાજી ઠાકોર મોખાસણ ગામે નવા બનતા એક મકાનમાં કડિયાકામ કરતા હતા. તે દરમિયાન બપોરના સુમારે બે આરોપીઓ સંજય અને જયેશજી ત્યાં ધસી ગયા હતા અને આડા સંબંધની અદાવત રાખી બંને જણાએ રતનજી ઉપર લોખંડના સળિયા લઈ તૂટી પડયા હતાં એક આરોપીએ રતનજીના પેટમાં છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી બંને નાસી ગયા હતા.