Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટી પાસે AMTS બસ બળીને ખાક

File

 

ફાયરબ્રિગેડે આગ ઓલવી : પરંતુ બસ બળીને ખાક: કોઈ જાનહાની નહીં

અમદાવાદ : આજે વહેલી સવારે વિદ્યાર્થીઓથી ભરચક રહેતાં યુનિવર્સિટી વિસ્તારમં એએમટીએસની એક બસ અચાનક જ સળગવા લાગી હતી. જાતજાતામાં આગે આખી બસને ભરડામાં લેતાં થોડીવારમાં જ સમગ્ર બસ રાખમાં ખાક થઈ હતી. જાકે બસમાં બેઠેલાં લોકો તુરંત જ બસ છોડીને બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો.

શનિ-રવિનાં રજાનાં માહોલ બાદ આજે સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખુલતાં એએમટીએસની તમામ બસો હકડેઠઠ હતી. ખાસ કરીને યુનિવર્સિટી તરફ જતી બસોમાં ભાર ભીડ હતી. આ સ્થિતિમાં  વસ્વત્રાલ થી યુનિવર્સિટીનાં રૂટ ઊપર ચાલતી ૧૪૨ નંબરની બસ સવારે સવા સાત વાગ્યાનાં સુમારે ગુજરાત યુનિવર્સિટીનાં બસ સ્ટેન્ડે પહોંચી હતી.

જેમાંથી વિદ્યાર્થીઓ ઊતરી જતાં મોટેભાગે બસ ખાલી થઈ ગઈ હતી. ડ્રાઈવરે આગળ જવા માટે બસ ઊપાડે એ પહેલાં જ અચાનક બસની બેટરીમાં શોર્ટ સર્કીટ થયું હતું. જેનાં પગલે તણખાં ઝરતાં થોડી જ વારમાં એન્જીન નજીક આગ લાગી હતી. ડ્રાઈવરનું ધ્યાન જતાં તેણે કંડ્‌કટર સહિત બસમાં બેઠેલાં મુસાફરોને ચેતવ્યા હતાં. જેથી ચોંકી ઊઠેલા મુસાફરો પણ તાબડતોબ બસ છોડી ભાગ્યા હતા. ડ્રાઈવરે આગની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. જાકે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચે તે અગાઊ જ આગ સમગ્ર બસમાં પ્રસરી ચૂકી હતી. અને આખી બસ સળગી ગઈ હતી.

મેમનગર ફાયર સ્ટેશનથી આવેલી બે ગાડીઓએ બાદમાં આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ બસ સળગવાની ઘટના બનતાં રાહદારીઓ પણ ઊભાં રહી ગયા હતાં. જેનાં કારણે રસ્તા ઊપર ટ્રાફીક જામનાં દૃશ્યો સર્જાયા હતા. જાકે ગંભીર ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.