Western Times News

Gujarati News

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ત્રણ ગાડી ટકરાતાં ૫નાં મોત

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક વાહનોની વચ્ચે ટક્કર થતાં પાંચ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મંગળવારે પરોડે ત્રણ ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ.

ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ તેનું પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું. રિપોર્ટ મુજબ એક ઓવરસ્પીડ ટ્રક ચાલક દ્વારા પોતાના વાહન પર નિયંત્રણ ગુમાવ્યા બાદ આ ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, સૌથી પહેલા વાહને ટેમ્પોને ટક્કર મારી જે પલટી ગઈ અને બંને વાહન લેનની વચ્ચે ખોદવામાં આવેલા એક ખાડામાં ફસાઈ ગયા. બાદમાં ટ્રકે બે અન્ય કારોને ટક્કર મારી. દુર્ઘટનાનો ભોગ બનેલા બે અલગ-અલગ વાહનોમાં સવાર ત્રણ મહિલાઓ અને ટ્રકચાલકનું પણ મોત થયું છે.

અકસ્માતની ઘટના બાદ તરત જ એમ્બ્યૂલન્સ, હાઇવેની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતકોને ખોપોલી ગ્રામ્ય હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ઘાયલોને મુંબઈ લઈ જવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. પોલીસ અને રાહત-બચાવ કર્મીઓએ આ દરમિયાન વાહન હટાવવા અને ટ્રાફિકને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૧૫ શ્રમિકોનાં મોત થયા હતા. જલગાંવના યાવલની પાસે પપૈયાથી ભરેલી ટ્રક પલટી ગઈ, જેના કારણે આ કરૂણ ઘટના બની હતી.

પપૈયાથી ભરેલી ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઈ રહી હતી. મળતી જાણકારી મુજબ, જલગાંવમાં સોમવારની સવારે પપૈયાથી ભરેલી એક ટ્રક રાવેલ તરફ જઈ રહી હતી. ટ્રક યાવલ પાસે જ પહોંચી હતી કે તે અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. ટ્રક પલટતાં જ જાેરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ ટ્રકમાં કેટલાક શ્રમિકો પણ બેઠા હતા. દુર્ઘટના એટલી જાેરદાર હતી કે ટ્રકમાં સવાર તમામ ૧૫ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.