Western Times News

Gujarati News

ચૌદમી વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ

વિધાનસભામાં માધવસિંહ સહિત ચાર નેતાઓને અંજલી- પૂર્વ મુખ્યમંત્રીઓ સ્વ. માધવસિંહ સોલંકી, સ્વ. કેશુભાઇ પટેલે ગુજરાતના વિકાસને નવી દિશા આપી છેઃ રૂપાણી

ગાંધીનગર, મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને સાત પૂર્વ દિવંગત વિધાયકોને ભાવસભર અંજલિ આપી હતી.

મુખ્યમંત્રીએ પૂર્વ રાજ્યમંત્રીઓ સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને રોહિતભાઇ પટેલના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી સદગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે વિધાન સભાના પૂર્વ દિવંગત વિધાયકો સ્વ. દિનકરભાઇ દેસાઇ, ચંદ્રાબહેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જાેધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે પણ દુઃખ વ્યક્ત કરી આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.

ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમ્યાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન દ્વારા વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારા સ્વ. માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ધદૃષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન માટે વિચક્ષણ રાજપુરુષ તરીકે આપેલું યોગદાન સદાકાળ સ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને લોકનેતા તરીકેની ભાવસભર અંજિલ આપતા કહ્યું કે, ગોકુળગ્રામ યોજનાથી સર્વાંગી ગ્રામીણ વિકાસના પ્રણેતા સ્વ.કેશુભાઇ પટેલે કિસાન પુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે પણ સદાય સંવદેના દર્શાવી હતી.

રૂપાણીએ સ્વ. કેશુભાઇ પટેલે મચ્છુ હોનારત વેળાએ તેમજ ૨૦૦૧માં કચ્છના ભૂકંપ વખતે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પણ સાદર સ્મરણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.