Western Times News

Gujarati News

‘સરસ મેળા’નું ગ્રામીણ વિકાસ મંત્રી આર.સી.ફળદુ ઉદઘાટન કરશે

સરસ મેળો-૨૦૨૧ -કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત ‘સરસ મેળા’નું આયોજન

બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર બેસ્ટ કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરતાં અને કરાવતાં સ્ટોલ, ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પણ પુરસ્કાર અપાશે

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘સરસ મેળો-૨૦૨૧’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાનાર આ ‘સરસ મેળા’નું ઉદઘાટન માનનીય ગ્રામ વિકાસ મંત્રી શ્રી આર.સી.ફળદુના હસ્તે આવતીકાલે સાંજે ૦૭.૦૦ કલાકે કરશે.

દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથો (સખી મંડળો)ને આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના સૂત્રને સાર્થક કરવા બજાર વ્યવસ્થા પુરી પાડી તેમના દ્વારા ઉત્પાદીત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જુથોને પ્રોત્સાહિત કરવાના આશયથી આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન  કંપની લી. ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી કે. સી. સંપતે જણાવ્યું છે.

તા. ૦૫ થી ૧૪ માર્ચ સુધી યોજાનાર આ ‘સરસ મેળો-૨૦૨૧’ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો આ સરસ મેળાનો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ પ્રાદેશિક ‘સરસ મેળા’માં દેશના વિવિધ રાજ્યોના ૩૦ થી વધુ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૨૦ જેટલા સ્ટોલ રજૂ થનાર છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા,રાજસ્થાન, મેઘાલય,મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશઅને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે.

હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ,  આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ,     તેલગાણાંની પોચમપલ્લી, હેન્ડલૂમ, આંધ્રપ્રદેશની કલમકારી આર્ટ પેઇન્ટીંગ ઉત્તરપ્રદેશની હેન્ડલૂમ બેટશીટસ, કેરલાનું કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલોપુરી ચંપલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. તે ઉપરાંત આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, બેસ્ટ કોવિડ-૧૯ ના  નિયમોનું ચુસ્તપણે પાલન કરતા અને કરાવતા સ્ટોલ, ડીજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પણ પુરસ્કાર આવશે.

આવતીકાલથી શરૂ થનાર સરસ મેળો- ૨૦૨૧માં આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તા.૦૮/૦૩/૨૦૨૧ના  રોજ ખાસ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં શ્રેષ્ઠ ગામ સંગઠન, શ્રેષ્ઠ સ્વસહાય જૂથ, શ્રેષ્ઠ બેંક સખી તદઉપરાંત વિશિષ્ટ પ્રતિભા સન્માન હેઠળ સ્વસહાય જૂથના મઘીબેન રબારી, જાણીતી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ કોસ્ચ્ગયુમ ડિઝાઇનીંગ કરી શ્રેષ્ઠ સ્વસહાય જૂથ મહિલા તરીકે ગ્રામ વિકાસ વિભાગ તથા  ગુજરાત સરકારનું નામ  રોશન કર્યું છે તેમ શ્રી કે.સી.સંપતે જણાવ્યું છે.

આ પ્રસંગે ખાસ ગ્રામ વિકાસ કમિશ્નર વ સચિવ શ્રી વિજય નહેરા તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી, અમદાવાદ તથા ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી સંઘના પ્રમુખ તથા કે.બી.સી. ફેઇમ પાબીબેન રબારી ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.