Western Times News

Gujarati News

હિંદુજા ફાઉન્ડેશને જલ જીવન પ્રોગ્રામના ભાગરૂપે મકરબા તળાવની કાયાકલ્પ કરી

DCIM/104MEDIA/DJI_1378.JPG

હિંદુજા ફાઉન્ડેશને સીએસઆર પહેલ હેઠળ અમદાવાદમાં તળાવની કાયાકલ્પ કરી

અમદાવાદ, 100 વર્ષ જૂના બહુરાષ્ટ્રીય સમૂહ હિંદુજા ગ્રૂપની પરોપકારી પાંખ હિંદુજા ફાઉન્ડેશને તેના ફ્લેગશીપ સીએસઆર પ્રોગ્રામ – જલ જીવન અંતર્ગત અમદાવાદમાં મકરબા તળાવનીકાયાકલ્પ કરી છે. તેનાથી 42 ટન કચરો અને નીંદણ દૂર કર્યાં બાદ પાણી સંગ્રહ ક્ષમતામાં 44 ટકાની વૃદ્ધિ સાથે સ્વચ્છ પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે.

30 એકર વિસ્તારમાં ફેલાયેલા તળાવનું નિર્માણ 15મી સદીમાં ગુજરાતના સુલ્તાન મહેમુદ બેગડાએ કરાવ્યું હતું. અમદાવાદથી 8 કિમી દક્ષિણ-પશ્ચિમ સ્થિત આ તળાવ ઐતિહાસિક સરખેજ રોજા, મસ્જિદ અને કબરના સંકુલનો અભિન્ન હિસ્સો છે.

હિંદુજા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ ઓન-ગ્રાઉન્ડ પાર્ટનર એનવાયર્નમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા તથા ઇન્ડસઇન્ડ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જળસંગ્રહને પુનઃસ્થાપિત કરવામાં અને તેના કાયાકલ્પમાં આશરે 13 મહિના જેટલો સમય લાગ્યો હતો.

આ પ્રાચીન તળાવના પાણીની ગુણવત્તામાં વધારો કરવા માટે 42 ટનથી વધુ નીંદણ અને નોન-બાયોડિગ્રેડેબલ કચરો દૂર કરવામાં આવ્યો હતો. વધુમાં લીમાડો, ગુલમોહર, ગૂસબેરી જેવાં 50 જેટલાં વૃક્ષોના રોપાનું વાવેતર કરાયું હતું, જેથી તળાવના ગ્રીન કવરમાં વધારો કરી શકાય.

તળાવની નજીક વિવિધ જગ્યાએ શ્રેણીબદ્ધ આઇલેન્ડ્સની પણ રચના કરાઇ હતી, જેથી આસપાસના ઘણાં પક્ષીઓને આશ્રય પ્રદાન કરી શકાય. અતિક્રમણને રોકવા માટે તળાવની પાળને ફેન્સિંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિસ્તારના નાગરિકોની સરળ અવરજવર માટે વોકવેનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ માટે સ્થાનિક સમુદાયના સ્વયંસેવકોને સાંકળવામાં આવ્યાં હતાં તથા તેમની સ્થાનિક ઇકોસિસ્ટમમાં તળવાની ભૂમિકા વિશે જાણકારી પણ અપાઇ હતી. ઇન્ડસઇન્ડ બેંક અને હિંદુજા ગ્રૂપ કંપનીના 125થી વધુ કર્મચારીઓએ સ્વયંસેવક તરીકે તળાવના કાયાકલ્પ માટે સફાઇ અને વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો.

આ પ્રોજેક્ટ અને કર્મચારીઓની કામગીરી હિંદુજા ગ્રૂપના જલ જીવન પ્રોગ્રામ નામની સીએસઆર પહેલનો હિસ્સો છે. પાણી વ્યવસ્થાપન ગ્રૂપ માટે ફ્લેગશીપ પહેલ છે અને આ મીશનથી દેશભરમાં પાણીની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં જળ સુરક્ષાને સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે.

આ પ્રોગ્રામ હેઠળ ફાઉન્ડેશન દેશભરમાં વોટરશેડ ડેવલપમેન્ટ, જળાશયોના કાયાકલ્પ, રૂફટોપ હાર્વેસ્ટિંગ અને વોટર એટીએમ માટે કામ કરે છે. ગ્રૂપ તેના તમામ પ્લાન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ અને કાર્યાલયોમાં જળ સંબંધિત જોખમો ઘટાડીને વોટર-પોઝિટિવ તરીકે ઉભરી આવવાની યોજના ધરાવે છે. ભારતમાં પહેલેથી જ 15 તળાવો, 121 ઝરણાં, 139 ચેકડેમ, 993 કુવાઓ, 8 નદીઓ અને નાળાઓની આ પ્રોગ્રામ હેઠળ કાયાકલ્પ કરવામાં આવી છે, જેમાં ચેન્નઇમાં વેટલેન્ડ્સ અને ઉત્તરાખંડમાં હિમાલયના ઝરણાં સામેલ છે.

આ પ્રોજેક્ટ અંગે પ્રતિક્રિયા આપતાં હિંદુજા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પૌલ અબ્રાહમે કહ્યું હતું કે, વિશેષ કરીને જળ સંગ્રહોની કાયાકલ્પ હિંદુજા ફાઉન્ડેશન માટે ઘણું મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત બાબત છે. હિંદુજા ગ્રૂપના સીએસઆરમાં જળ મહત્વપૂર્ણ પરિબળ છે અને મકરબા તળાવની પસંદગી આસાન વિકલ્પ હતો.

પાણીના સ્રોતોના કાયાકલ્પથી લાંબાગાળે પર્યાવરણને વધુ અનુકૂળ બનાવવામાં, પાણીના સ્તરમાં સુધારો કરવામાં તથા વનસ્પતિઓ અને જીવોને મદદરૂપ બની શકાય છે, જેઓ મોટાભાગે આ કુદરતી તળાવોથી અસ્તિત્વ ધરાવે છે. અમારા ફંડિંગ પાર્ટનર્સ અને અમલીકરણ એજન્સીઓ સાથે અમે આ પ્રોજેક્ટ સાથે જોડાતાં ખુશી અનુભવીએ છીએ, જેનાથી શહેરની સુંદરતામાં ઉમેરો થયો છે. હિંદુજા ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ આ પ્રકારના જળ સ્રોતોના કાયાકલ્પ માટે કટીબદ્ધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.