Western Times News

Gujarati News

મ્યુનિસિપલ ભાજપના બજેટમાં કોરોના માટે કોઈ જોગવાઈ નહિ, જૂની યોજનાઓ નવા બજેટમાં જાહેર કરી : દિનેશ શર્મા 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના બજેટ 2021-22 ઉપર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે, દૈનિક ધોરણે કોરોનાના કેસ નવા રેકર્ડ સર્જી રહ્યાં છે પણ બજેટમાં કોરોના મહામારી સામે લડવા એક રૂપિયો ફાળવ્યો નથી. આ ચિંતાજનક છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ વર્ષ 2021-22નું રૂ.8051 કરોડનું બજેટ મંજુર કરી દીધું છે જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.576 કરોડના સુધારા સૂચવ્યા છે પણ ક્યાંય કોરોના મહામારીના સંદર્ભમાં એક જોગવાઈ કરી નથી.

ગત વર્ષ 2020-21નું બજેટ પણ કોરોના મહામારીના કારણે ખોરવાઈ ગયું હતું. કોરોના મહામારી પાછળ 700 કરોડનો ખર્ચ કરાયો હતો. જેના કારણે અમદાવાદ શહેરમાં વિકાસના કામો લટકી પડ્યા હતા. પ્રાથમિક સુવિધાના કામો ટલ્લે ચડ્યાં હતા.

આજની સ્થિતિએ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 500 કરોડના પેમેન્ટ અટવાઈ પડ્યા છે, ભાજપની સરકાર કોરોના મહામારીમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આર્થિક મદદ કરવામાંથી હાથ ઊંચા કરી લીધા છે,

આવા સંજોગોમાં બજેટમાં કોરોના પાછળ હજુ કેટલો ખર્ચ થશે તેની નાણાંકીય જોગવાઈ કરવી અનિવાર્ય હતી પણ ભાજપના શાસકોએ આ અંગે એકપણ રૂપિયો ફાળવ્યો નથી. આ સ્થિતિ ચિંતાજનક છે. કેમ કે, કોરોના પાછળનો થનારો ખર્ચ વિકાસના કામો ઉપર કાપ મુકશે પણ ભાજપના શાસકો વાસ્તવિકતાથી મોં ફેરવી રહ્યાં છે.

સૌથી અગત્યની વાત એ છે કે, દર વર્ષે વિકાસના કામો માટે વોર્ડદીઠ 3થી 4 કરોડની રકમ ફાળવવામાં આવતી હતી. અંદાજે 150 કરોડ રૂપિયા વોર્ડ સ્તરે વિકાસના કામો માટે ફાળવાતા હતા પણ આ વખતે આ રકમ ઉપર કાપ મૂકી દેવાયો છે. વોર્ડ સ્તરે વિકાસના કામો થઈ શકશે નહીં.

આ બજેટમાં પૂર્વ વિસ્તારમાં એકપણ મોટા વિકાસના કામ સુચવાયા નથી. પૂર્વ વિસ્તારના નાગરિકો સાથે હળહળતો અન્યાય કરાયો છે. છેલ્લા બે બજેટથી પૂર્વ વિસ્તારમાં હોસ્પિટલ બાંધવાનો વાયદો કરાતો હતો તેનો છેદ ઉડાડીને પશ્ચિમના પોષ વિસ્તારમાં હોસ્પિટલ બાંધવાની જોગવાઈ કરી છે. પૂર્વ વિસ્તારમાં હોસ્પિટલની જરૂરિયાત છે પણ આ અંગે બજેટમાં કોઈ જોગવાઈ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં બજેટનું કદ રૂ.9,685 કરોડ હતું જે વર્ષ 2021-22માં ઘટીને રૂ.8051 કરોડ થઈ ગયું છે. બજેટના કદમાં રૂ.1634 કરોડનો અધધ ઘટાડો થયો છે.

બજેટનું કદ ઘટતાં અમદાવાદમાં પ્રાથમિક સુવિધા કામો અટવાશે સાથે વિકાસના કામો ઠપ્પ થઈ જશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ ડ્રાફ્ટ બજેટમાં રૂ.576 કરોડના સુધારા સૂચવ્યા છે પણ નવા કોઈ વિકાસ કામો નથી.

ભાજપના શાસકોએ માત્રને માત્ર જૂની યોજનાઓ નવી દર્શાવી જાહેર કરી દીધી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટ સુધારામાં કેટલીય જોગવાઈઓ તો સીધી જુના બજેટ સુધારામાંથી બેઠો ઉતારો કરી દેવાયો છે.

ગત વર્ષમાં કોર્પોરેટરોનું બજેટ વધારી 30 લાખ કર્યું હતું ફરી આ વર્ષે બજેટ સુધારામાં વાત કરી છે.1. ઇ-વાહનો ઉપર 100 ટકા વેરા માફીની જોગવાઈ, 2. મ્યુનિ. બિલ્ડીંગમાં આવેલા ટ્રસ્ટ હોસ્પિટલના મિલ્કતવેરામાં 70 ટકા રિબેટની જોગવાઈ 3. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફિજીયોથેરોપી સેન્ટરના મિલ્કતવેરામાં 70 ટકા રિબેટની જોગવાઈ

4. કોર્પોરેટરનું વાર્ષિક બજેટ 30 લાખ કરવાની જોગવાઈ, 5. સ્પે.કમિટીના ચેરમેનના બજેટમાં 20 લાખ અને ડે. મેયરના બજેટમાં 10 લાખ વધારો કરવાની જોગવાઈ અને 6. જીરો બજેટની ફાળવણી જેવી જોગવાઈઓ જૂની છે.

અમારું માનવું છે કે, ભાજપના શાસકોએ ગત વર્ષથી લાગુ કરેલો યુઝર્સ ચાર્જનો 100 કરોડનો બોજ પરત ખેંચી શહેરીજનોને રાહત આપવી જોઈએ. ગત બજેટમાં વાહનવેરામાં કરેલો 27 કરોડનો વધારો પરત ખેંચવો જોઈએ.

કોરોનાની મહામારીને ધ્યાને રાખી આ વખતના પ્રોપર્ટી ટેક્સના બિલોમાં 50 ટકાની રાહત અને દરેક પ્રોપર્ટીમાં 100 ટકા વ્યાજમાફીની સ્કીમ લાવવી જોઈએ જેથી નાગરીકોને રાહત મળે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.