Western Times News

Gujarati News

કુંભ મેળા એરિયામાંથી ૧૦૨ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યા

હરિદ્વાર પહોંચનારા ભક્તોને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું કડક પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ

હરિદ્વાર, કુંભ મેળામાં સતત કોરોના પોઝિટિવ કેસ મળી રહ્યા છે. સોમવતી અમાવાસ્ય શાહી સ્નાનના દિવસે હરિદ્વારમાં ૫૬૩ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. આમાં ૧૧૨ લોકો શામેલ છે જેઓ અન્ય રાજ્યોથી હરિદ્વાર સ્નાન માટે આવ્યા હતા.

કુંભ મેળા વિસ્તારમાંથી કુલ ૧૦૨ દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે. કોરોનાના વધતા ગ્રાફે આરોગ્ય વિભાગની સામે પડકાર ઊભો કર્યો છે. તે જ સમયે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

કુંભમેળાના આરોગ્ય અધિકારી અર્જુનસિંહ સેંગરે જણાવ્યું હતું કે મહંત નરેન્દ્ર ગિરીનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે. તબિયત લથડતા મંગળવારે ઋષિકેશની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના રિપોર્ટ આવ્યા પછી મહંતજી તેમના આશ્રમમાં આઈસોલેટ થઈ ગયા હતા. હાલ મહંત નરેન્દ્ર ગિરીની હાલત સ્થિર છે.

ડીજીપી અશોક કુમારે હરિદ્વાર પહોંચનારા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું કડકાઈ સાથે પાલન કરો. માસ્કનો ઉપયોગ કરો અને શારીરિક અંતર રાખો. ઉત્તરાખંડ પોલીસ શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરી રહી છે. એવામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર આવે અને તમામ નિયમોના પાલનની સાથે સ્નાનમાં સામેલ થાય.

કુંભ મેળાના આઇજી સંજય ગુંજયાલે કહ્યું કે, અમે ઘાટો પર સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીશું તો ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણથી ઘાટ પર ભીડ એકત્ર થઈ તો અમે અહીં સામાજિક અંતરના નિયમોને લાગુ કરવામાં અસમર્થ છીએ.

અમે લોકોને સતત કોવિડના યોગ્ય વ્યવહારનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે રવિવારે ઉત્તરાખંડમાં કોરોના કેસોની સંખ્યામાં ફરી એકવાર વધારો જાેવા મળ્યો. ૪ ઓક્ટોબર ૨૦૨૦ બાદ રાજ્યમાં રવિવારે એક દિવસમાં ૧૩૩૩ સંક્રમણના નવા કેસ સામે આવ્યા અને વધુ ૮ લોકોનાં મોત થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.