Western Times News

Gujarati News

લોકડાઉન બાદ ૪૦ ટકા વાલીને ફી ભરવામાં તકલીફ

Files Photo

સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાતની એક ફિનટેક કંપનીએ હાથ ધરેલા સર્વેનું મહત્વપૂર્ણ તારણ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સ્કૂલો ફરીથી નિયમિતપણે ક્યારે શરૂ થશે તેના પર પ્રશ્નાર્થ છે. વાલીઓ નવા શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ ફી અંગે સત્તાધીશોના નિર્દેશોની પ્રતીક્ષા કરી રહ્યા છે. લગભગ ૪૦ ટકા વાલીઓ લોકડાઉન પછી આ વર્ષે ફી ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ૧૫ હજાર વાલીઓ પર કરવામાં આવેલા સર્વેમાં મહત્વના તારણો બહાર આવ્યા છે. ૬૦ ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવા માટે હપ્તાની સુવિધા ઈચ્છી રહ્યા છે. ૪૦ ટકા વાલીઓ ફીમાં ડિસ્કાઉન્ટ મળશે તેની આશામાં ફી ચૂકવવમાં વિલંબ કરી રહ્યા છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાત સ્થિત અગ્રણી ફિનટેક કંપની ક્રેડિને સર્વે હાથ ધર્યો હતો. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફિનટેક કંપની ક્રેડિન શિક્ષા પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામ થકી વાલીઓને સ્કૂલની ફી સમયસર ચૂકવવામાં મદદ મળે છે.

જેમાં તેઓ શૂન્ય ટકા વ્યાજદરે હપ્તેથી પુનઃ ચૂકવણી કરી શકે છે. લગભગ ૩૦,૦૦૦ વાલીઓને આ સર્વેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા હતા. જેમાંથી ૫૦ ટકા વાલીઓએ તેમની આર્થિક સ્થિતિ અને અન્ય નાણાંકીય બાબતો અંગે વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા. સર્વે મુજબ ૫૫ ટકા વાલીઓ માને છે કે, હાલની અનિશ્ચિતતાને જાેતાં હાથમાં રોકડ રાખવી જરૂરી છે અને આથી જ તેઓ સ્કૂલની ફી ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છે. ૬૮ ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ પહેલા જેવી થતાં સમય લાગી શકે છે.

૬૦ ટકા વાલીઓની ઈચ્છા છે કે ફી ચૂકવવા માટે હપ્તાની સુવિધા મળે. સારા સમાચાર આવવાની આશાએ ૪૦ ટકા વાલીઓ ફી ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છે. તેમને આશા છે કે, સ્કૂલ અથવા સરકાર તરફથી ફીમાં ડિસ્કાઉન્ટ મળશે. ઉદ્‌ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં અનેક વાલીઓ પાસેથી રજૂઆતો મળી છે કે, ફીમાં ચૂકવણી મોડેથી કરવામાં છૂટ આપવામાં આવે અથવા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે. વાસ્તવિક લાગે તેવા કિસ્સામાં અમે વાલીઓને શક્ય હોય તેટલી મદદ કરીએ છીએ. મહામારીના લીધે સરકારના સૂચનને પગલે ૨૫ ટકા ફી પણ જતી કરી છે.

આ સ્થિતિમાં ફિક્સ ખર્ચા સંભાળવા પણ સ્કૂલ માટે પડકારભર્યું છે. ક્રેડિનશિક્ષા પ્રોગ્રામથી અમારા વાલીઓને વગર વ્યાજે હપ્તેથી ચૂકવવાનો વિકલ્પ મળશે અને સ્કૂલને ખર્ચા પહોંચી વળવા માટે સમયસર રૂપિયા પણ મળી રહેશે. સર્વેમાં અનિશ્ચિતતાના ડર હેઠળ જીવતા લોકોની બદલાયેલી માનસિકતા અંગે પણ જાણવા મળ્યું હતું. ૫૧ ટકા લોકો માને છે કે, કોવિડ-૧૯થી સામાન્ય જીવન પર આ વર્ષે પણ અસર પડશે એટલે સ્કૂલોએ માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું જાેઈએ.

૭૦ ટકા વાલીઓ જ્યાં સુધી કોરોનાનો ખાત્મો ન થાય ત્યાં સુધી પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા માગતા નથી. ૫૨ ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી રહી છે અને સ્થિતિ પુનઃ થાળે પડતાં હજી સમય લાગશે. ક્રેડિનશિક્ષા પ્રોગ્રામ ક્રેડિટ અને ટેક્નોલોજીની મદદથી એજ્યુકેશન ઈકોસિસ્ટમ સારી બનાવા માટે છે. અમેન પાર્ટનર સ્કૂલ્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્કૂલો વધુ દૂરંદેશી, ટેક્‌-સેવી, વાલીઓ માટે ચિંતિત છે અને એટલે જ વાલીઓના શ્રેષ્ઠ હિત માટે નવા સમાધાનો શોધવા ઉત્સુક છે, તેમ ક્રેડિનના સહસ્થાપક રૂપેશ બિશ્નોઈએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.