Western Times News

Gujarati News

ચોરે રોડ પરનો CCTV જંકશન બોક્સનો સામાન ચોર્યો

મ્યુનિ.એ દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવેલા છે તેનું તમામ મોનિટરિંગ કરવાનું કામ તેમની કંપની કરે છે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોઈ દુકાન કે ઘરમાં ચોરી થતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ હવે તસ્કરોની આ ટોળકી એએમસીએ લગાવેલા સીસીટીવી કેમેરાના જંક્શન બોક્સમાંથી પણ કેટલોક સામાન ચોરી કરી જતા પોલીસ તંત્ર દોડતું થયું છે. તાજેતરમાં બનેલી બે ઘટનાને લઇને નવરંગપુરા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છ જંકશન ઉપર થયેલી ચોરી બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા શીલનભાઈ શાહ પાલડી ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ રૂમ ખાતે આવેલી એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.

આખા અમદાવાદ શહેર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દરેક ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે તેનું તમામ મોનિટરિંગ કરવાનું કામ તેમની કંપની કરે છે. તેમની કંપની તરફથી નવરંગપુરા વિસ્તારમાં નવરંગપુરા ચાર રસ્તા તથા સીએ સર્કલ ચાર રસ્તા એમ બે જગ્યાએ જંકશન બોક્સ લગાવેલા છે. જેની અંદર કેમેરા કંટ્રોલ કરવા માટે પાવર તથા કેમેરા કંટ્રોલ કરવાના સાધનો તેમજ કેબલો લગાવેલા છે. ગત તારીખ પહેલી મેના રોજ સવારના નવરંગપુરા ચાર રસ્તા પાસે લગાવેલા જંકશન બોક્સના કેમેરા બંધ થતા ત્રીજી તારીખના રોજ આ જંકશન બોક્સ ચેક કરતાં તે ખુલ્લું મળી આવ્યું હતું.

આ ઉપરાંત અંદરના સ્ટેબિલાઇઝર તથા નેટવર્ક વીજ તથા એસએફપી તથા અન્ય સામાન સહિતની બોક્સની તમામ ચીજવસ્તુ ગાયબ હતી. ત્યારબાદ ૯મી તારીખના રોજ સવારે સીએ સર્કલ નવરંગપુરા ખાતે લગાવેલા જંક્શન બોક્સની તપાસ કરતા તેમાંથી પણ કેટલાક સામાન ગાયબ હતા. જેથી અજાણ્યા ચોર જંકશન બોક્સ તોડી તેમાંથી અમુક સામાન ચોરી કરી ગયા હોવાનું જાણવા મળતા શીલનભાઈએ ૧.૨૮ લાખનો સામાન ચોરી થયો હોવાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જ્યારે અમદાવાદના પાલડીમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ ખાતે એક કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રશાંત દલાલે પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કંપની તરફથી સેટેલાઈટના શ્યામલ ચાર રસ્તા, નહેરુનગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલ પંપ તથા શિવરંજની ચાર રસ્તા આ ચાર જગ્યાએ સીસીટીવી કેમેરાના જંકશન બોક્સ લગાવેલા છે. ૧૨ એપ્રિલ સાંજે કૅમેરા બંધ થઈ જતા તેઓએ તપાસ કરી તો આ ચારેય જંકશન પર લગાવેલા જંક્શન બોક્સમાંથી કેટલોક સામાન ચોરી થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.