Western Times News

Gujarati News

ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓને અપાતી સારવાર સુવિધાની સમીક્ષા કરાઈ

વિડીયો કોલથી હોસ્પિટલના  તબીબો,દર્દીઓ અને દર્દીઓના સ્વજનો સાથે વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા

મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે ડી.આર.ડી.ઓ દ્વારા નિર્મિત ધન્વન્તરી કોવિડ હોસ્પિટલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ દર્દીઓને અપાતી સારવાર સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ધનવંતરી કોવિડ હોસ્પિટલના તબીબો, દર્દી અને દર્દીના પરિવારજનો સાથે વિડિયો કોલથી વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા હતા.

મંત્રીશ્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં ભારત સરકાર, ગુજરાત સરકાર, સેવાભાવી સંસ્થાઓ, કાર્યકર્તાઓ, તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કામદારો સૌ કોઈ ફરી લડત આપી રહ્યા છે. આ સૌની સક્રિયતા અને કામગીરીને પરિણામે આપણે બીજી લહેરમાં પણ પરિસ્થિતિ નિયંત્રણ તરફ લઈ જઈ શકયા છીએ.

મહેસુલ મંત્રીશ્રીએ અમદાવાદમાં ઓક્સિજન, દવાઓ, આઇ.સી.યું અને અન્ય સુવિધા સાથેની ધનવંતરી કોવિડ હોસ્પિટલનું સમયસર નિર્માણ કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ડી.આર.ડી.ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોને કોરોના સામેની લડતમાં સજ્જ કરવા માટે ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન રાજ્ય સરકારે શરૂ કર્યું છે. ઉપરાંત રાજ્યના શહેરી વિસ્તારોને પણ કોરોના સામેની લડતમાં સજ્જ અને સક્ષમ બનાવવા ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન’ શરૂ કરાયું છે. સોસાયટી, પોળ, ચાલીઓમાં રહેતી શહેરી જનતામાં જાગૃતિ વધે, તેઓને આવશ્યક દવા મળે અને સમયસર નિદાન થાય તે આ અભિયાનનો આશય છે.

મંત્રીશ્રીએ ગુજરાત પર તોળાતા તાઉ-તે વાવાઝોડા અંગે સરકારની તૈયારીઓ વિશે જણાવતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બાદ તેઓના માર્ગદર્શન હેઠળ એસ.ડી.આર.એફ. એન.ડી.આર.એફ. સંલગ્ન વિભાગોને સાબદા કરવામાં આવ્યા છે.

તાઉ-તે વાવાઝોડું ૧૪ જિલ્લાને અસર કરે તેવી સંભાવના હોવાથી તે તમામ જિલ્લા વહીવટીતંત્રને પણ સાબદા-એલર્ટ કરવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડાને કારણે ઉપસ્થિત કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલના ચેરપર્સન અને સચિવ શ્રીમતી અંજુ શર્માએ મહેસુલ મંત્રીશ્રીને  જી.એમ.ડી.સી. હોસ્પિટલના  દર્દીઓને અપાતી આવશ્યક દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સારવાર સુવિધાથી વાકેફ કર્યા હતા. સુપ્રિટેન્ડન્ટ ડો. જયદીપ ગઢવીએ દર્દીના એડમિશનથી લઇ સાજો થઈ ઘરે પરત ફરે ત્યાં સુધીનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સમજાવ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ બારોટ, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ શ્રી હિમાંશુ પંડ્યા,  ધનવંતરી હોસ્પિટલના અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.