Western Times News

Gujarati News

બપોરે ૨-૪૧ એ હાઈવે બ્લોક થયાનો સંદેશ મળ્યો અને ૩-૦૪ એ હાઈવે પૂર્વવત કરાયો 

ધોલેરા- વટામણ હાઈવે પર વીજવાયર તૂટી પડતાં કોવીડ હોસ્પિટલ માટે  ઓક્સિજન લઈ જતા ટ્રક અટવાયા, માત્ર ગણતરીની  મિનિટમાં “ટીમ ધોલેરા”એ હાઈવે પૂર્વવત કર્યો

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની વહીવટીતંત્રની ટીમે “તોક તે” વાવાઝોડાના પગલે કોવીડ હોસ્પિટલ માટેના ઓક્સિજન પુરવઠાના સપ્લાયમાં ઉભા થયેલા વિઘ્નને ગણતરીની મિનિટોમાં જ દૂર કરી પ્રસંશનીય કામગીરી કરી છે. ધોલેરા વટામણ હાઈવે પર  પીપળી ગામથી નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસે વીજળીનો હાઈટેન્શન વાયર તૂટી પડ્યો હતો.

જેના પગલે હાઈવે બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો મેસેજ ધોલેરા તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલરુમ ખાતે મળ્યો હતો. સંદેશ મળતા “ટીમ ધોલેરા” સક્રિય બની. અને ગણતરીની મિનિટોમાં જ હાઈવે પરની અડચણ દૂર કરી વાહન-વ્યવહાર પૂર્વવત કર્યો.

આ અંગેની વિગતો આપતા ધોલેરા મામલતદારશ્રી ભગીરથસિંહ વાળા કહે છે : “ અમને બપોરે ૨-૪૧ કલાકે સંદેશ મળ્યો કે વીજવાયર તૂટી પડતા હાઈવે બ્લોક થઈ ગયો છે અને પરિણામે કોવીડ હોસ્પિટલ માટે ઓક્સિજન લઈ જતા બે ટ્રક અટવાયા છે. તરત જ અમે વિવિધ ટીમ સાથે સંકલન સાધી હાઈવે પરની અડચણ દુર કરી ગણતરીની મિનિટમાં જ હાઈવે પૂર્વવત કરી દીધો”

આ સમગ્ર ઘટનાક્રમમાં તાલુકા વહીવટીતંત્રના  વિવિધ વિભાગો –  માર્ગ-મકાન, યુજીવીસીએલ, વનવિભાગ અને પોલીસનો સક્રિય સહયોગ મળ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.