Western Times News

Gujarati News

અમરેલી જિલ્લામાં વાવાઝોડાનાં ફક્ત ૭ દિવસમાં ૨૫ હજારથી વધુ અસરગ્રસ્તોને રૂ. ૧.૨૫ કરોડથી વધુ રોકડ સહાય ચૂકવાઈ

Ø  જિલ્લામાં ૧૭,૦૭૯ પુખ્ત વ્યક્તિઓ અને ૮,૫૩૭ સગીરોને એમ કુલ ૨૫,૬૧૬ જેટલા અસરગ્રસ્તોને સહાય મળી

Ø  પુખ્ત વ્યક્તિઓને રૂ. ૯૬.૭૪ લાખ અને સગીરોને ૨૯.૨૦ લાખથી વધુ રોકડ સહાયની ચુકવણી કરાઈ

Ø  ૪૮.૨૦ લાખ જાફરાબાદમાં, ૩૫.૫૫ લાખ રાજુલામાં અને ૧૬.૬૪ લાખ સાવરકુંડલામાં રોકડ સહાયની ચુકવણી : સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ તાલુકામાં ૧ કરોડથી વધુ સહાય ચૂકવાઈ

Ø  ગ્રામ્ય વિસ્તારમાં ૨૯૨ અને શહેરી વિસ્તારોમાં ૭૫ ટીમોએ સર્વે હાથ ધરાયો

Ø  પુખ્ત વ્યક્તિને એક દિવસના રૂ. ૧૦૦/- અને સગીરને દિવસ દીઠ રૂ. ૬૦/- પ્રમાણે ચુકવણી કરાઈ

અમદાવાદ : તાજેતરમાં ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે રોકડ સહાય ચૂકવવા કાર્યવાહી હાથ ધરી હતી.

સર્વેની કામગીરીની સાથે સાથે રોકડ સહાયનું વિતરણ પણ વહીવટી તંત્ર દ્વારા વીજગતિએ આરંભી દેવામાં આવ્યું હતું. જેના પરિણામે જિલ્લામાં વાવાઝોડાનાં ફક્ત ૭ દિવસમાં અસરગ્રસ્તોને રૂ. ૧.૨૫ કરોડથી વધુ રોકડ સહાયની ચુકવણી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગઈકાલના આંકડાઓ પ્રમાણે જિલ્લામાં ૧૭,૦૭૯ પુખ્ત વ્યક્તિઓ અને ૮,૫૩૭ સગીરોને એમ કુલ ૨૫,૬૧૬ જેટલા અસરગ્રસ્તોને સહાય ચુકવવામાં આવી હતી. જેમાંથી પુખ્ત વ્યક્તિઓને રૂ. ૯૬.૭૪ લાખ અને સગીરોને ૨૯.૨૦ લાખથી વધુ રોકડ સહાયની ચુકવણી કરવામાં આવી હતી.

સૌથી અસરગ્રસ્ત એવા મુખ્ય ત્રણ તાલુકાઓમાં ૪૮.૨૦ લાખ જાફરાબાદમાં, ૩૫.૫૫ લાખ રાજુલામાં અને ૧૬.૬૪ લાખ સાવરકુંડલામાં રોકડ સહાયની ચુકવવામાં આવી હતી. આમ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ તાલુકામાં ૧ કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી હતી.

નોંધનીય છે કે વાવાઝોડાના ફક્ત બીજા જ દિવસે સર્વેની તેમજ સહાયની કામગીરી આરંભી દેવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ ટીમો બોલાવવામાં આવી હતી. આમ ગ્રામ્ય વિસ્તારમાં ૨૯૨ અને શહેરી વિસ્તારોમાં ૭૫ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નિયમો પ્રમાણે હાલ પુખ્ત વ્યક્તિને એક દિવસના રૂ. ૧૦૦/- અને સગીરને દિવસ દીઠ રૂ. ૬૦/- પ્રમાણે ચુકવણી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.