Western Times News

Gujarati News

અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચરપાર્કની મુલાકાત લેતા મુખ્યમંત્રી

૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે

સાયન્સ સિટીમાં આકાર પામવા જઇ રહેલ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી અને અન્ય પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આકર્ષક નજરાણું બની રહેશે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે.

રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા ને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે.સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ  કદમ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટીમાં ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી.

આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોન માંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરી નું આવનારા દિવસોમાં  ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી  એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દૂનિયામાં ઓતપ્રોત થઇ શકશે.

સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દૂનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ મુલાકાત દરમ્યાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રીશ્રી એ આ ઉપરાંત સાયન્સ સીટી માં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવશ્રી હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ  અંગેની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ  મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન,અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, સાયન્સ સિટી ના ડાયરેક્ટર શ્રી એસ.ડી.વોરા અને સાયન્સ સિટી ના અઘિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.