Western Times News

Gujarati News

ઝઘડીયાના અછાલિયા ગામે દાગીના તેમજ રોકડ મળીને ૨૫ લાખની ચોરી

ચોરીની જાણ થતાં ઘર માલિકને એટેક આવતા મોત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે એક મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો રોકડા રુ.ત્રણ લાખ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રુ.૨૫૦૫૦૦૦ ની મતાની ચોરી કરી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ અછાલિયાના વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવનો પરિવાર દર વર્ષે વૈશાખ વદ આઠમના દિવસે પોતાના વતન અછાલિયા ખાતે નવચંડી યજ્ઞ કરે છે.હાલ પણ તેઓ આ માટે અછાલિયા આવ્યા હતા.દવાના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રકાશચંદ્ર રાવનો પરિવાર હાલ સુરત ખાતે રહે છે.

સુરત થી અછાલિયા આવેલ આ રાવ પરિવાર રોકડા રુ.ત્રણ લાખ અને સોના ચાંદીના વિવિધ દાગીના લઈને અછાલિયા આવ્યુ હતુ.પ્રકાશચંદ્ર રાવ અને તેમના પત્ની દક્ષાબેન રાત્રે જમી પરવારીને સુઇ ગયા હતા.દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યે દક્ષાબેન બાથરુમ જવા ઉઠ્યા

ત્યારે ઘરનો મેઇન દરવાજો અંદરથી બંધ જણાયો હતો.તેથી તેમણે પ્રકાશચંદ્રને જગાડીને આ જણાવતા ફળિયામાં રહેતા અન્ય લોકોને બોલાવ્યા હતા.

ત્યાર બાદ પાછળની બાજુએથી ઘરમાં જઈને જોતા સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો.બેગમાં રાખેલા રોકડા રુ.ત્રણ લાખ અને સોના ચાંદીના દાગીનાઓની ચોરી થયાનું જણાયુ હતુ.ઘર માલિક પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવને ચોરી થયાની જાણ થતાં તેઓને એટેક આવ્યો હતો અને રાતના પોણા ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યુ હતુ.

ઘટનાની જાણ થતાં તેમના પુત્રો સુરતથી અછાલિયા દોડી આવ્યા હતા.મૃતક પ્રકાશચંદ્રના પુત્ર જયકુમાર પ્રકાશચંદ્ર રાવે આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.ચોરીની આ ઘટનામાં બેગમાં મુકેલ રોકડા રુ.ત્રણ લાખ તેમજ સોના ચાંદીના વિવિધ ઘરેણા મળીને કુલ રુ.૨૫૦૫૦૦૦ ની મતા તસ્કરો ઉઠાવી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.