Western Times News

Gujarati News

અમદાવાદમાં ચોમાસા પહેલા મલેરિયાને ડામવાની કવાયત

શહેરના ૪૦ હેલ્થ કેન્દ્ર, ૨૧૫ સબ સેન્ટરના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશા દ્વારા તપાસ શરૂ

અમદાવાદ,  ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે.અને છેલ્લા એક વર્ષથી તો કોરોનાની મહામારી પણ છે.ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલાં અમદાવાદ જિલ્લાના મેલેરિયા શાખા એક્શનમાં આવી ગયું છે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને સુપરવાઈઝરો દ્વારા ફિલ્ડ વિઝીટ કરી કામગીરીનું ક્રોસવિરીફીકેશન કરવામાં આવ્યુ છે. જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોનાની કામગીરીની સાથે ઘરે ઘરે ફરીને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને સુપરવાઈઝર દ્વારા ફિલ્ડ વિઝીટ કરવામાં આવી છે. પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવી જગ્યા પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જ્યાં મચ્છરનો ઉપદ્રવ જાેવા મળે ત્યાં વેપારી કે માલિકોને કાયદાકીય નોટીશ ઇસ્યુ કરવામાં આવી રહી છે.

રોડ પર જાેવા મળતી ટાયરોની દુકાન કે જેઓ એડીસ મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન છે તેવી દુકાનો, ફ્લાવર પોર્ટ બનાવતી સીમેન્ટની ફેક્ટરીઓની મુલાકાત ચેકીંગ કર્યું હતું.અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. કુંડા કે જ્યાં પણ પાણી ભરાયેલ રહેતું હોય તો પાણીનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેશન વિસ્તારમાં મેલેરીયાના કેસોને ધ્યાનમાં રાખીને રીંગ રોડ પેરીફરીમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા પહેલા અમદાવાદ જિલ્લામાં રોગ નિયંત્રણ માટે મેલેરીયા શાખા અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને સઘન બનાવવામાં આવી છે.અને ચોમાસામાં મુશ્કેલી વધે નહિ તે માટે આગોતરું આયોજન કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.