Western Times News

Gujarati News

વડોદરામાં રાત્રે ખુલ્લી ગટરના ઢાંકણા સાથે બાઇક અથડાતાં નોકરી પર જતા કર્મચારીનું મોત

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મોડી રાત્રે ગોરવા પ્રકૃતિ કોમ્પ્લેક્સ સામે રોડ પર એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન ગટરો સાફ કરવામાં આવી રહી છે. ગટરો સાફ કરાયા બાદ ગટરોનાં ઢાંકણાં બંધ કરવામાં ન આવતાં આ અકસ્માત થયો હતો અને રાત્રિ કર્ફ્‌યૂનો સમય હોવાથી સમયસર સારવાર ન મળતાં તરફડી-તરફડીને ખાનગી કંપનીના કર્મચારીનું મોત થયું હતું. પાલિકાના અંધેર વહીવટને કારણે થયેલી આ દુર્ઘટનાને પગલે મૃતકનાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્‌યો છે.

વડોદરા શહેરના સુભાનપુરા સંતોષનગરમાં પ્રવીણભાઇ ચૌહાણ(ઉં.૪૫) રહેતા હતા અને રણોલી ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મોડી રાત્રે તેઓ પોતાની બાઇક લઇને નોકરી પર જવા માટે નીકળ્યા હતા, ત્યારે ગોરવા ભાઇલાલ અમીન મેરેજ હોલ, પ્રકૃતિ કોમ્પ્લેક્સ સામે ગટરના ખુલ્લા ઢાંકણા સાથે તેમની બાઇક અથડાતાં પ્રવીણભાઇ બાઇક ઉપરથી રોડ ઉપર પટકાયા હતા, જેમાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ ઘટના મોડી રાત્રે ૧૧ વાગ્યાના સુમારે કર્ફ્‌યૂ સમય દરમિયાન બની હતી. કર્ફ્‌યૂ સમય દરમિયાન બનેલા બનાવને પગલે લોકોની અવરજવર ઓછી હોવાથી પ્રવીણભાઇને સમયસર સારવાર મળી શકી નહોતી. આ દરમિયાન પસાર થઇ રહેલી અજાણી વ્યક્તિને બનાવની જાણ થતાં તેણે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. ત્યાર બાદ એક પછી એક લોકો આવી પહોંચ્યા હતા અને ગોરવા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને લોહીલુહાણ પ્રવીણભાઇ ચૌહાણને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જાેકે ગોરવા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે, પ્રવીણભાઇ ચૌહાણ બાઇક લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. એ સમયે પ્રકૃતિ કોમ્પ્લેક્સ સામે તેમની બાઇક સ્લિપ ખાઇ જવાથી મોતને ભેટ્યા હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન વરસાદી કાંસ ખુલ્લા રહેવાને કારણે, ગટરો ખુલ્લી રહેવાને કારણે દર વર્ષે લોકો જીવ ગુમાવે છે. હજુ ચોમાસું શરૂ થયું નથી, એ પહેલાં જ વડોદરામાં ખુલ્લી રહેલી ગટરના કારણે પ્રવીણભાઇને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. નોંધનીય એ પણ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. ગટરો અને વરસાદી કાંસ પણ સાફ કરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે વિસ્તારોમાં ગટરો અને કાંસની થઇ રહેલી સફાઇ બાદ નીકળતો કચરો સમયસર ઉઠાવવામાં આવતો ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.