Western Times News

Gujarati News

મ્યુનિ. શાસકોએ કોન્ટ્રાકટરને રૂા.૬૦ કરોડની ગીફટ આપી

ગરીબ શ્રમિકોને મકાન ભાડે આપવાની યોજનામાં ગરીબ કોન્ટ્રાકટર પ્રત્યે દયાભાવ દાખવતા સત્તાધીશો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: કોરોના કાળમાં પરપ્રાંતિય શ્રમિકો અને ગરીબ વર્ગને થયેલ હાલાકી બાદ કેન્દ્ર સરકારે ‘એકોડેબલ રેન્ટલ હાઉસીંગ સ્કીમ’ જાહેર કરી હતી. ગરીબ અને શ્રમિક વર્ગને સસ્તા ભાડાથી સારા મકાન મળે તે આશયથી સરકાર તરફથી સદ્‌ર સ્કીમ જાહેર કરવામાં આવી હતી. પરંતુ સરકારી પરિપત્રના શબ્દો અને વાક્યોને “તોડી મરોડી” તેના અનેક અર્થ કાઢવામાં પાવરધા મ્યુનિ. અધિકારીઓ સત્તાધીશો સમગ્ર યોજનાને “શ્રમિકો”ના બદલે “કોન્ટ્રાકટરો” માટે જ જાહેર કરવામાં આવી હોય તે રીતે અમલ થયો છે.

મ્યુનિ. શાસકો દ્વારા માસિક રૂા.૮૩૬ ના નજીવા ભાડાથી પોશ વિસ્તારમાં મકાનો ભાડે આપ્યા બાદ મનપાની સેવા કરવા બદલ ખાનગી કોન્ટ્રાકટરને કોઈપણ કામ કર્યા વિના જ રૂા.૬૦ કરોડ ગીફટ કરવામાં આવ્યા છે. આ પ્રકારના નિર્ણયોને કારણે જ મ્યુનિ. કોર્પોરેશન એટલે “કોન્ટ્રાકટરો દ્વારા” અને “કોન્ટ્રાકટરો માટે” ચાલતી સંસ્થા હોવાના અવારનવાર આક્ષેપ થઈ રહયા છે.

કેન્દ્ર સરકારની એફોડેબલ રેન્ટલ સ્કીમનો ભરપુર લાભ મ્યુનિ. વહીવટીતંત્ર સત્તાધારી પાર્ટી અને કોન્ટ્રાકટર દ્વારા લેવામાં આવ્યો છે. મનપા દ્વારા થલતેજ અને બોડકદેવ વોર્ડમાં ત્રણ વર્ષ અગાઉ કુલ ૧૩૮૬ મકાન આર્થિક રીતે પછાત વર્ગના નાગરીકો માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ અગમ્ય કારણોસર તેની ફાળવણી કરવામાં આવી નહતી. સરકારની યોજના જાહેર થયા બાદ તમામ મકાન રપ વર્ષ માટે ભાડે આપવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં યુનિટ દીઠ રપ વર્ષ માટે રૂા.૩પ.૮૪ લાખના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા

 

પરંતુ ટેન્ડર જાહેર થયા બાદ “જળ અને સ્થળ” એકાકાર થઈ થઈ ગયા હતા તથા સામ સામે ભાવ તાલ કર્યા બાદ રૂા.રર.રપ લાખના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. આમ પ્રથમ રાઉન્ડમાં જ મકાન દીઠ રૂા.૧૩.પ૯ લાખનું નુકશાન નકકી કરવામાં આવ્યું હતું. બીજા રાઉન્ડમાં મ્યુનિ. તિજાેરીને જમા થનાર રકમ માટે ચર્ચા શરૂ થઈ હતી. જેમાં ૧૩૮૬ મકાન પેટે મનપાને રપ વર્ષમાં રૂા.ર૮.૬પ કરોડ નકકી થયા હતા. જાેકે બીજા રાઉન્ડમાં જ ત્રીજા અને અંતિમ રાઉન્ડના ભાવતાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશનને મળનાર રકમ ૧૦૦ ટકા યુનિટના બદલે ૮૦ ટકા યુનિટથી કરવામાં આવી હતી મતલબ કે, ર૦ ટકા યુનિટની આવક સીધે સીધી કોન્ટ્રાકટરને મળી જશે જે તેના માટે “વકરો તેટલો નફો” રહેશે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચા કે પુર્ણ અભ્યાસ વિના કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જેમાં ર૦ ટકા યુનિટના નફા નો પણ સમાવેશ પણ થાય છે. કમિશ્નરની દરખાસ્ત મુજબ ગણત્રી કરવામાં આવે તો કુલ ૧૩૭૬ મકાનના ર૦ ટકા એટલે કે ર૭પ મકાનો બિલકુલ મફતમાં આપવામાં આવ્યા છે. આ ર૭પ મકાનોનું ભાડુ કોન્ટ્રાકટરને મળશે પરંતુ તેમાંથી મનપાને રાતીપાઈ પણ મળવાની નથી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલી દરખાસ્ત મુજબ કોન્ટ્રાકટરને ૮૦ ટકા યુનિટ પેટે રપ વર્ષમાં કુલ રૂા.રપર કરોડની આવક થશે. જેની સામે મનપાને માત્ર રૂા.ર૮ કરોડ મળશે.

જયારે ર૦ ટકા મકાનોની જે આવક ગીફટ કરવામાં આવી છે તે પેટે સરેરાશ રૂા.૭૪ર૦ લેખે ગણત્રી કરતા કોન્ટ્રાકટરને રપ વર્ષમાં અંદાજે રૂા.૬૧ કરોડનો ચોખ્ખો ફાયદો થશે. નોંધનીય છે કે રપ વર્ષમાં ૧૩૭૬ મકાનોના મેઈન્ટેન્સ પેટે કોન્ટ્રાકટર દ્વારા માત્ર રૂા.૭પ કરોડ જ ખર્ચ કરવામાં આવશે. આમ રપર કરોડ ભાડાની આવક તેમજ રૂા.૬૧ કરોડની ગીફટની (ર૦ ટકા યુનિટની આવક) ગણત્રી કરીએ તો રપ વર્ષમાં કોન્ટ્રાકટરને રૂા.૩૧૩ કરોડ મળશે. જેની સામે મનપાને રૂા.ર૮ કરોડ તેમજ મેઈન્ટેન્સના રૂા.૭પ કરોડનો ખર્ચ થશે. તેથી શ્રમિકો માટેની સદ્‌ર યોજનામાં “ગરીબ” કોન્ટ્રાકટરને રપ વર્ષમાં અંદાજે માત્ર રૂા.ર૦૦ કરોડનો નફો થઈ શકે છે.

જે પૈકી રૂા.૬૧ કરોડ સત્તાધીશો અને વહીવટીતંત્ર દ્વારા ર૦ ટકા લેખે આપવામાં આવેલી ગીફટના રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. આ અંગે મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટનો સંપર્ક કરતા તેમણે પણ ર૦ ટકા યુનિટની ગણતરી કરવામાં આવી ન હોવાનો સ્વીકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.