Western Times News

Gujarati News

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું થયું આગમન, પાંચ દિવસ વરસાદની આગાહી

Files Photo

ગાંધીનગર: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે,વલસાડમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડામાં પણ જાેરદાર વરસાદ પડ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

હવામાન ખાતાની આગાહી કરતા ૬ દિવસ વહેલા ચોમાસુ ગુજરાતમાં પહોંચ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ આવશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસોમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના ૧૫ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડું જલ્દી થયું છે. મુંબઈમાં પણ સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે જ દરિયામાં હાઈ ટાઈડ ઉઠવાનું પણ અનુમાન છે.

આઈએમડી મુંબઈના ઉપ મહાનિદેશક ડૉ. જયંત સરકારે ચોમાસું મુંબઈ પહોંચી ગયું હોવાની માહિતી આપી હતી. ચોમાસું ૧૦ તારીખે મુંબઈ પહોંચવાનું હતું પરંતુ આ વખતે ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. તેના પહેલા મંગળવારે પ્રી-મોનસૂન વરસાદે મુંબઈને પાણી-પાણી કરી નાખ્યું હતું. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતાં ગઈકાલે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. આજે પણ સેલવાસ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી માહોલ જામતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

તો પ્રદેશના બાલદેવી ગામના સ્કૂલ ફળિયા નજીકથી પસાર થતી ખાડી વરસાદી પાણીને કારણે બે કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદને કારણે ખાડીના પાણી લો લેવલ કોઝવે પરથી પસાર થયા હતા. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.